મોરબીના રાજપર ગામે 20મીએ પાટીદાર સમાજના એકવીસમાં સમૂહલગ્નનું આયોજન

સમૂહલગ્નની સાથે રક્તદાન કેમ્પનું આયોજન : સમૂહલગ્નમાં પાટીદાર સમાજના 112 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે: 112 દીકરીઓ વૃક્ષ વાવી ઉછેર કરવાનો સંકલ્પ લેશે

મોરબી : મોરબીના રાજપર ગામે આગામી તા.20ના રોજ પાટીદાર સમાજના એકવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમૂહ લગ્નની સાથેસાથે રક્તદાન કેમ્પ પણ યોજાશે.જ્યારે સમૂહ લગ્નોત્સવમાં પાટીદાર સમાજના 112 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે 112 દીકરીઓ વૃક્ષ વાવી ઉછેરવાનો સંકલ્પ લેશે.

માળીયા-મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આગામી તા.12ના રોજ મોરબી તાલુકા રાજપર ગમે આવેલા સમસ્ત કડવા પાટીદાર સમાજ ભવન ખાતે પાટીદાર સમાજના એકવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમૂહ લગ્નોત્સવમાં પાટીદાર સમાજ સમયની સાથે કદમ મિલાવીને સમયનું મૂલ્ય જાળવવા તા 20ના રોજ સવારે 6 વાગ્યો જાન આગમન નિર્ધારિત કરી બપોરના 12 વાગ્યે કન્યા વિદાય કરી દેવામા આવશે. આ સમૂહ લગ્નોત્સવ પાટીદાર સમાજના 112 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે. આ સમૂહલગ્નમાં સામાજિક કાર્યો કરવાના ભાગરૂપે તા.20ના રોજ સવારે 7-30 થી12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે સમૂહલગ્ન સમિતિ દ્વારા પર્યાવરણમાં જનજાગૃતિ લાવવા માટે દર વર્ષે સમૂહલગ્નમાં વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવડવામાં આવે છે.તેથી આ સમૂહલગ્નમાં 112 દીકરીઓ તેમના ગામે વૃક્ષ વાવી ઉછેર કરવાનો સંકલ્પ લેશે. રાજપર ગામે સમૂહલગ્નને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.અને ગામમાં ઉત્સવ જેવો માહોલ ઉભો કરવાં માટે આખા રાજપર ગામને દુલહનની જેમ શણગાર કરવામાં આવશે.આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ શિવલાલભાઈ ઓગાણજા , ઉપપ્રમુખ મનુભાઈ કૈલા, મણિલાલ સરડવા, ખજાનચી, ઈશ્વરભાઈ સબાપરા, મંત્રી જ્યંતીલાલ વિડજા, સહમંત્રી કમલેશભાઈ કૈલા, મગનભાઈ અધારા, સહ ખજાનચી વિનોદભાઈ કૈલા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en