મોરબીના શિક્ષકોએ તૈયાર કરેલા પ્રયોગોએ રાજયકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ધૂમ મચાવી

જિલ્લાના પાંચ શિક્ષકોએ આણંદ ખાતે રજૂ કરેલા પ્રયોગો નિહાળી શિક્ષણમંત્રી તેમજ શિક્ષણસચિવ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અભિભૂત થયા

મોરબી : મોરબી જીલ્લામાં આયોજિત ઇનોવેશન ફેસ્ટીવલમાંથી ૫ ઇનોવેશનની રાજ્ય કક્ષાએ પસંદગી થઇ હતી. આ શિક્ષકોએ આણંદ ખાતે ચારુસેટ યુનિવર્સીટીમાં યોજાયેલા ચોથા ઇનોવેશન ફેસ્ટીવલમાં મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું હતું. શિક્ષકોએ તૈયાર કરેલા આ નવીન પ્રયોગો નિહાળીને સૌ કોઈ અભિભૂત થયા હતા.

મોરબી જીલ્લાના ડી આઈ સી કો-ઓર્ડીનેટર મીનાક્ષીબેન રાવલ તથા ડાયેટ પ્રાચાર્ય ચેતનાબેન વ્યાસ દ્વારા દરેક શાળા મુલાકાત દરમિયાન ઇનોવેટીવ શિક્ષકોને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે. બાદમાં તેઓ માટે દર વર્ષે જીલ્લા કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલનો કાર્યક્રમ યોજાય છે.બાદમાં મોરબી જીલ્લાની દરેક શાળાના શિક્ષકો તેની મુલાકાત લે છે. આ ફેસ્ટીવલમાંથી આ વર્ષે ચાર ઇનોવેશનની પસંદગી, કોર કમિટી અને મુલાકાતી શિક્ષકોના ગુણાંકનને આધારે કરવામાં આવેલી હતી.

જેમાં વાંકાનેરના રાતીદેવળી કન્યા શાળાના શિક્ષિકા ડૉ.પાયલ ભટ્ટની કૃતિ ભાષા સંગમ – એક ઉત્સવ, ટંકારાના નેકનામ કન્યા શાળાના સુષ્માબેન પડયાની કૃતિ ‘સુષ્મા’ઝ સંકલ્પ’ અને વાંકાનેરના ભેરડાના અમિત દેથારિયાની કૃતિ ‘ગણિતનો જાદુ’ પ્રાથમિક વિભાગમાંથી પસંદગી પામી હતી. માધ્યમિક વિભાગમાં વી.સી.હાઇસ્કુલના અમિત તન્નાની કૃતિ બોટનીકલ ક્લાસરૂમને રાજય કક્ષાએ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત નવા મકનસર શાળાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા જીતેન્દ્ર પાંચોટિયાને રાજ્યના ઇનોવેશન ફેસ્ટીવલમાં પોતાનું ઇનોવેશન રજુ કરવા વિશેષ આમંત્રણ આપવામાં આવેલું હતું.

રાજ્યના આ ઇનોવેશન ફેસ્ટીવલમાં રજુ થયેલ તમામ ઇનોવેશનની એક બુકલેટ તૈયાર થઇ રહી છે. આ બુકલેટના લેખક મંડળમાં મનન બુદ્ધદેવને વિશેષ કામગીરી સોંપવામાં આવી હતી. રાજ્યના ઇનોવેશન ફેસ્ટીવલમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ વિનોદ રાવ, જીસીઈઆરટી નિયામક ટી.એસ.જોશી, આઈ.આઈ.એમ.ના અનીલ ગુપ્તા, મોટીવેશનલ ટ્રેનર દીપક તેરૈયા, ગીજુભાઈ ભરાડ, મહેન્દ્ર ચોટલીયા વગેરે મહાનુભાવોએ મોરબી જીલ્લાના ઇનોવેશન સ્ટોલની મુલાકાત લીધી હતી.

નવત્તર પ્રયોગની વિગતો

ભાષા સંગમ – એક ઉત્સવ

વાંકાનેરના રાતીદેવળી ગામની કન્યા શાળાના શિક્ષક ડો. પાયલ ભટ્ટે જણાવ્યું કે હું રાતીદેવળી ગામમાં ભાષા શિક્ષક છું. આ ઉત્સવ આવ્યો ત્યારથી જ એને વિશેષ રીતે ઉજવવાનો મેં સંકલ્પ કર્યો. ભારતની વિવિધ ભાષાઓના પાંચ વાક્યો બાળકો બોલતા થાય અને ઉલ્લાસમય વાતાવરણમાં ભારતની વૈવિધ્યપૂર્ણતાથી પરિચિત થાય એવો મારો હેતુ હતો. મેં આ માટે નેશનલ સાયન્સ ફેરની મુલાકાત પણ લીધી. વિવિધ રાજ્યોમાંથી આવેલા શિક્ષકો પાસે એમની ભાષાના ઉચ્ચારણ સાંભળ્યા. પહેલા હું શીખી અને મારી વિદ્યાર્થીનીઓને શીખવ્યું.આપણા બંધારણની માન્યતા પ્રાપ્ત વિવિધ ૨૨ ભાષાના પાંચ પાંચ વાક્યો મારા વિદ્યાર્થીઓ બોલી શકે છે. આનો એક હસ્તલિખિત અંક પણ તૈયાર થયો છે. મેં મારી યુ ટ્યુબ ચેનલ બનાવી તમામ ભાષામાં બોલતા મારા વિદ્યાર્થીઓનો વિડીયો અપલોડ કર્યો. એન.સી.ઈ.આર.ટી., દિલ્હી ની વેબસાઈટ પર ભાષા સંગમ ગેલેરીમાં મારા વિડીયો અને ફોટોગ્રાફ્સ પસંદ થયા છે. હું અને મારા બાળકો, મારો સ્ટાફ ખુબ જ ખુશ છીએ. આપણી ભાષાઓ માટે અને રાષ્ટ્રીય એકતાની જાગૃત્તિ માટે કામ કર્યાનો આત્મસંતોષ છે.

સુષ્માઝ સંકલ્પ

નેકનામ કન્યા શાળાના શિક્ષિકા સુષ્મા પડાયાએ જણાવ્યું કે બાળકની રુચી અને આત્મવિશ્વાસ જ તેના અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ કરે છે. એ માટે લીધેલો સંકલ્પ એટલે જ સુષ્માઝ સંકલ્પ. મેં જોયું કે ધોરણ ૩થી જ અંગ્રેજી ભણવામાં આવી જતું હોવા છતાં બાળકો મોટા ધોરણોમાં પહોંચે ત્યાં સુધી અંગ્રેજી વાંચી શકતા નથી. એ માટે મેં પ્રાર્થનાસભાથી શરૂઆત કરી. બાળકોને અંગ્રેજીના શ્રવણ અનુભવો પુરા પડ્યા. ફોનીલ મેથડની મદદથી એક બુકલેટ બનાવી. બાળકોને ઉચ્ચારનો શીખવ્યા. આત્મવિશ્વાસ વધ્યો. ધીમે ધીમે બાળકો જ બાળકોની શીખવતા થઇ ગયા. મેં સુષ્મા’સ સંકલ્પ યુ ટ્યુબ ચેનલ બનાવી છે. પોતાના બાળકોને અંગ્રેજી બોલતા જોઈને વાલીઓ પણ ખુબ ખુશ થાય છે.

જાદુઈ ગણિત

વાંકાનેર તાલુકાની ભેરડા પ્રા. શાળાના શિક્ષક અમિત દેથરિયાએ જણાવ્યુ કે મેં જોયું કે મારી શાળાના બાળકોને ગણિતમાં ઓછો રસ પડે છે. મેં રસ ઉત્પન્ન કરવા જાદુ નો સહારો લીધો. બાળક ખુબ જિજ્ઞાસુ હોય છે. તેને સતત નવું નવું ગમે છે. મેં ગણિત વિષયની જાદુઈ પ્રવૃત્તિઓ બાળકોની બતાવી. નવાઈ પ્રમાણે એવી એવી પ્રવૃત્તિઓ મેં અનેક માધ્યમોથી મેળવી. ચાર્ટ્સ , કાર્ડ્સ અને નોટીસ બોર્ડ પર આ પ્રવૃત્તિઓ મુકાતી ગઈ. બાળકો ગણિતને ખુબ રસપુર્વક શીખતા ગયા. અચરજ પામતા ગયા અને ઉત્સુક બનતા ગયા. આ પ્રયોગથી મને બાળકોમાં પ્રિય થઇ રહેવાની તક મળી છે.

ઓપન એર બોટનીકલ ક્લાસરૂમ

મોરબીની વીસી હાઈસ્કૂલના અમિત તન્નાએ જણાવ્યું કે,વિદ્યાથીઓને ‘પ્રકૃત્તિના ખોળે શિક્ષણ’ આપીને વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસમાં રુચિ વિકસાવવા મેં આ પ્રયોગ કર્યો. મારી શાળા શહેરી વિસ્તારમાં આવેલી છે. વિજ્ઞાન પ્રવાહનાં બાળકોને જીવવિજ્ઞાનમાં વનસ્પતિશાસ્ત્ર ભણવાનું આવે છે. મોટા ભાગના બાળકોએ આ વનસ્પતિઓના માત્ર નામ જ સાંભળ્યા હતા. મેં મારી શાળામાં જ ઓપનએર ક્લાસરૂમ બનાવ્યો. જેમાં વિવિધ ફૂલછોડ લાવીને ફ્લોર પ્લાન્ટ્સ, વોલટોપ પ્લાન્ટ્સ, હેન્ગીંગ પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા. બાળકો માટે ચાર્ટ વિભાગ, રીડિંગ સ્પેશ બનાવવામાં આવી. ૧૭ બાળકોથી શરુ થયેલો આ વર્ગ ૫૫ સુધી પહોંચ્યો છે. બાળકો છોડને દત્તક લઇ તેના ઉછેરની જવાબદારી પણ નિભાવે છે.

ટાઈલ્સ દ્વારા વાંચન વિકાસ

મોરબી તાલુકાની મકનસર પ્રા. શાળાના શિક્ષક જીતેન્દ્ર પાંચોટીયાએ જણાવ્યું કે, મોરબી ટાઈલ્સ ઉદ્યોગનું હબ છે. મેં દાતાઓ ના સહયોગથી ટાઈલ્સ પર બાળકોને વાંચતા કરવા માટે વાંચન વર્ગ વિકસાવેલ છે. એક વર્ગમાં ૩૫ જેટલી ટાઈલ્સનો સેટ છે. જેમાં ક્રમશ: શબ્દો, વાક્યો વાંચન માટે ગોઠવેલા છે. આ ક્રમ કક્કા કરતા જુદો છે. સૌ પ્રથમ ન,મ,ગ,જ આ ચાર મૂળાક્ષરો અને તેનાથી બનતા શબ્દો-વાક્યો શીખવવામાં આવે છે. બાળકોમાં આત્મવિશ્વાસ ઝડપથી આવી જાય છે. ટાઈલ્સ પરનું ડીઝાઇનીંગ મેં પોતે કરેલ છે. સિરામિક ઉદ્યોગકકારોએ ખુબ સહકાર આપેલ છે. મોરબી તાલુકાની તમામ શાળાઓમાં આ ટાઈલ્સનો સેટ પહોંચે એ માટે મારા પ્રયત્નો ચાલુ છે. આ ઇનોવેશનની નોંધ આઈ.આઈ.એમ.એ પણ લીધી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en