મોરબીમાં દરોડા પૂર્વે ઇન્કમટેક્સ અધિકારીએ કોરલ સિરામિક નોકરી કર્યાનો ઘટસ્ફોટ

- text


સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા કબૂતર બિલના રેકેટને ઝડપી લેવા આઇટી અધિકારીએ બે મહિના રેકી કરવા માર્કેટિંગ વિભાગમાં કરી હતી નોકરી

મોરબી : મોરબીમાં તાજેતરમાં આવેકવેરા વિભાગની રેડમાં કોરલ અને કૅપશન સહિતના સાત ગ્રુપમાંથી ૧૨૫ કરોડથી વધુની ગોલમાલ સામે આવી છે ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા ગોરખધંધાના મૂળ સુધી પહોંચવા દરોડા પૂર્વે ઇન્કમટેક્સના એક બાહોશ અધિકારીએ બબ્બે મહિના સુધી માર્કેટિંગ વિભાગમાં નોકરી કરી હોવાનો ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

અત્યંત સુમાહિતગાર વર્તુળો અને ખુદ સિરામિક લોબીમાંથી બહાર આવેલી વિગતો મુજબ કોરલ અને કૅપશન સહિત સાત ગ્રુપ ઉપર દરોડા પાડતા પૂર્વે ઇન્કમટેક્સ વિભાગે ફુલપ્રુફ પ્લાનિંગ કર્યું હતું અને સર્જીકલ સ્ટ્રાઈક જેવું રિઝલ્ટ લાવવા એક બાહોશ અધિકારીને મેદાનમાં ઉતારી ફિલ્મી સ્ટાઇલથી માર્કેટિંગ વિભાગમાં નોકરીમાં લગાડયા હતા.

બીજી તરફ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કાળા ધોળા માટે માર્કેટિંગ વિભાગ ઉપર જ દારોમદાર રહેલો હોય એ બાહોશ અધિકારીએ ખૂબ જ ટૂંકા સમયમાં શેઠિયાઓના દિલ જીતી લઈ માર્કેટિંગમાં સારું એવું કાઠું કાઢી ગુજરાત જ નહીં ગુજરાત બહાર દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોરલ ગ્રુપના ડિલરો સાથે પણ ઘરોબો કેળવી લઈ સ્ફોટક વિગતો મેળવવાની સાથે સાથે ડિલર્સ નેટવર્કની તળિયાથી નળિયાં સુધીની જાણકારી મેળવી લઈ બીલિંગને બદલે વોટ્સએપથી થતા વેચાણ વ્યવહારો માટે અનેક ડિલર્સ અને સિરામિક ઉત્પાદકોના વોટ્સએપ ગ્રુપમાં પણ ઘુસી ગયા હતા.

- text

દરમિયાન બબ્બે મહિના સુધી માર્કેટિંગ વિભાગમાં નોકરી કરી આ બાહોશ અધિકારીએ સિરામિક ઇન્ડસ્ટ્રીઝની કુંડળી કાઢી લઈ તમામ પુરાવા હાથવગા કરી ગત ગુરુવારના રોજ ૨૦૦ ચુનંદા અધિકારીઓના કાફલા સાથે વહેલી સવારથી ઓપરેશન કબૂતર બીલને અંજામ આપવા સતત ત્રણ દિવસ તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે મોરબીના કોરલ અમે કૅપશન ગ્રુપમાં દરોડા દરમિયાન આઇટી વિભાગના હાથમાં ૪.૮૦ કરોડની રોકડ, ઉપરાંત કરોડોના સોના, ચાંદી અને ઝવેરાતની સાથે ૨૬ લોકરો સીલ કરી અસંખ્ય બેન્ક એકાઉન્ટનો પર્દાફાશ કરી બોગસ પેઢીઓના નામે થતા કરોડોના વ્યવહારને શોધવામાં મોટી સફળતા મેળવી હતી.

આ સંજોગોમાં હવે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતી ગોલમાલની મોડ્સ ઓપરેન્ડી આઇટી વિભાગ સમક્ષ છતી થઈ જતા મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં માર્કેટિંગ માટે રાખવામાં આવેલા સ્ટાફ ઉપર તવાઈ ઉતરી હોવાનું અને કોરલ કેપશનની જેમ આપણા કારખાનામા માર્કેટિંગમાં કોઈ આઇટી વાળા નથી ને ? તેવા સવાલો ખોટું કરતા ઉદ્યોગકારોના મનમાં હલચલ મચાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text