મોરબી : પરાણે છૂટાછેડા લેવડાવવા રૂ.1.02 કરોડ પડાવી લીધા હોવાનો આક્ષેપ

- text


પરત પૈસા લેવા જતા પિતા પુત્રને ગોંધી રાખી રિવોલ્વર બતાવીને વધુ રકમની માગણી કરી અસહ્ય ત્રાસ દેતા ગામ છોડવું પડ્યું

મોરબી: મોરબીના એક આધેડના પુત્રનો ઘરસંસાર બરોબર ચાલતો ન હોવાની બન્ને પતિ પત્ની વચ્ચે સમાધાન કરવા માટે ટંકારાના જબલપુરના બાબુ ઝાપડા રીતસર એક કરોડની ખંડણી માંગી પરાણે છૂટાછેડાના કાગળો પર સહી કરાવીને રિવોલ્વર બતાવી ધાક ધમકી આપી બળજબરીથી રૂ.1.02 કરોડ પડાવી લીધા હતા.આથી આ પૈસા પરત લેવા ગયેલા પિતા પુત્રને બાબુ ઝાપડા અને તેની ટોળકીએ ગોંધી રાખી વધુ રકમની માગણી કરી ત્રાસ આપતા તેમને ગામ છોડવું પડ્યું હતું તેવી આધેડે એલસીબીને અરજી આપતા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા દુદાભાઇ ધનજીભાઈ મેવાડાએ ટંકારાના જબલપુર ગામના ડોન તરીકે ઓળખાતા બાબુભાઇ ઝાપડા અને તેના માણસ જગદીશ ઉર્ફે જગો કરશન ઝાપડા તેમજ તેના પિતા કરશન ભુવો અને મનુભાઈ દેવરાજ ભાઈ મેવાડા સામે ફરિયાદ નોંધાવવા આપેલી અરજીમાં જણાવાયું હતું કે, તેમના નાના પુત્ર જિવણના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા.પરંતુ બન્ને પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી અવારનવાર ઘરકાંકસ થતો હતો.આથી નાના પુત્રનો ઘરસંસાર યોગ્ય રીતે ચાલે અને આ બાબતે સમાધાન કરવા તેમણે જ્ઞાતીના આગેવાન મનુભાઈ મેવાડની મારફત જબલપુરના બાબુ ઝાપડાનો સંપર્ક કર્યો હતો.જોકે તેમણે માત્ર સમાધાનની જ વાત કરી હોવા છતાં બાબુડોને પરાણે છૂટાછેડા લેવાનું કહીને આ માટે 1 કરોડની માગણી કરી હતી.આથી ડરી ગયેલા ફરિયાદીએ પોતાનો જમીન પ્લોટ , દર દાગીના વેચી તેમજ ઉધાર ઉછીના કરીને રૂ.1 કરોડ બાબુ ડોનને આપ્યા હતા. ત્યારબાદ છુટાછેડા માટે જિવણની પત્ની છાયાબેન છૂટાછેડા આપવા માંગતા ન હોય અને પતિ સાથે રહેવા માંગતા હોવા છતાં તેમને રિવોલ્વર બતાવી ડરાવી ધમકાવી બળજબરીથી છૂટાછેડાના કાગળોમાં સહી કરાવી લીધી હતી.

- text

એટલું જ નહીં ફરિયાદી પાસેથી દ્વારકા ધર્માદા પેટીમાં નાખવાના બહાને વધુ રૂ.2.71 લાખ પડાવી લીધા હતા.ત્યારે આ રકમ પરત મેળવવા માટે તેઓ પુત્ર સાથે બાબુડોનના ડેલે જતા રિવોલ્વર બતાવી વધુ માતબર રકમની માગણી કરીને ડેલા પુરી દીધા હતા.જો કે રાત્રીના સમયે તક મળતા બન્ને પિતા પુત્ર ત્યાંથી નાસી છૂટ્યા હતા.પરંતુ બાબુડોન અંતે તેની ટોળકી વધુ પૈસા મેળવવા ધાક ધમકી આપી અસહ્ય ત્રાસ દેતા તેઓ ગામ છોડીને મોરબી આવી ગયા છે અને અંતે તેમણે આ બાબતે ફરિયાદ નોંધાવવા અર્થે અરજી આપતા વધુ તપાસ એલસીબી ચલાવી રહી છે.

ઇન્ચાર્જ પીએસઆઈ આર.ટી. વ્યાસે બનાવ મામલે જણાવ્યું કે બનાવની અરજીના સંદર્ભે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવમાં છૂટાછેડાના બહાને ધાકધમકી આપીને એક કરોડથી વધુની રકમ પડાવવામાં આવી છે. હાલ આરોપીઓ નાશી ગયેલ છે.

- text