હળવદના જુના અમરાપરના ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી : શિક્ષિકાને પરત હાજર કરવા માંગ

હળવદ : હળવદ પંથકના મોટાભાગના ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ જોવા મળી રહ્યી છે ત્યારે તાલુકાના જુના અમરાપર ગામના શિક્ષિકાને માથક ગામે મુકેલ હોય જેનો ગ્રામજનોએ વિરોધ નોંધાવી તાત્કાલિક ધોરણે જુના અમરાપર ગામમાં શિક્ષિકાને મૂકવા આજરોજ ગ્રામજનો દ્વારા માંગ કરી રોષ ઠાલવ્યો હતો અને આ બાબતે શાળાને તાળાબંધી કરી હતી.

હળવદ પંથકમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈ એક યા બીજા ગામથી હંગામી ધોરણે શિક્ષકો મૂકવામાં આવતા હોય છે ત્યારે તાલુકાના જુના અમરાપર ગામના શોભનાબેન ઈશ્વરભાઈ કણજરીયાને માત્ર માથક ગામે શિક્ષકોની ઘટ હોય માટે એક માસ પૂરતા મૂકવામાં આવ્યા હતા પરંતુ એક માસ પૂરો થઈ ગયો હોવા છતાં પણ શિક્ષિકાને જુના અમરાપર પાછા મૂકવામાં ન આવતા ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળા બંધી કરાઈ હતી. ત્યારે આજે શિક્ષિકાને જુના અમરાપર મુકવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા શાળાને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતો.

આ અંગે ગામના સરપંચ જેસીંગભાઈ ટાંકે જણાવ્યું હતું કે,પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શોભનાબેનને એક માસ પુરતા માથક ગામે ચાર્જ સોંપાયો હતો પરંતુ એક માસ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પરત ફરજ પર હાજર ન કરાતા શિક્ષણ વિભાગ નઠારો નિવડયો છે. તો આ બાબતે શિક્ષણ વિભાગ અમારી માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી શાળાને તાળાબંધી યથાવત રહેશે અને શાળાના બાળકોનો ભવિષ્ય બગડશે તો તેની જવાબદારી પણ શિક્ષણ વિભાગની રહેશે તેમ ઉમેર્યું હતું. વધુ ગ્રામજનોએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા જુના અમરાપર સાથે વ્હાલા-દવલાની નીતિ કરે છે તે અયોગ્ય છે અને આ બાબતે વહેલી તકે શિક્ષિકાને ગામની જ પ્રા.શાળામાં પરત હાજર કરવા માંગ કરી છે.