માળિયા ઉચાપત કેસમા તત્કાલીન ચીફ ઓફિસર સહિત 9 આરોપીઓ 1 દિવસના રીમાન્ડ પર

મામલતદારે 22 દિવસના ચીફ ઓફિસરના ચાર્જ દરમ્યાન નવી ચેકબુક ઇસ્યુ કરાવી રૂ.1.12 કરોડનું ચુકવણું કરી દીધું હતું

માળિયા : માળિયા પાલિકાના રૂ.1.12કરોડની ઉચાપતના કેસમાં પકડાયેલા તત્કાલીન ચીફ ઓફિસર, પ્રમુખ સહિતના ૯ આરોપીને આજે ૫ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ આરોપીઓની એક દિવસની રિમાન્ડ મંજુર કરી છે. ચીફ ઓફિસરે ૨૨ દિવસના ચાર્જમાં નવી ચેકબુક ઇસ્યુ કરાવીને કૌભાંડ સર્જ્યું હોવાની વિગતો પ્રાથમિક પૂછપરછમાં સામે આવી છે.

માળીયા નગરપાલિકામાંમાં ગત તા.18 એપ્રિલથી 13 મેં દરમ્યાન ઈન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ચાર્જમાં રહેલા મામલતદાર એમ.એમ.સોલંકી તથા તત્કાલીન પાલિકા પ્રમુખ અબ્દુલભાઇ હુસેનભાઈ મોવર સહિતનાએ સતાનો દુરુપયોગ કરીને રૂ.1.12 કરોડની માતબર રકમની ઉચાપત કરી હોવાનું ખુલતા એસીબીએ કરોડોની ઉચાપત મામલે તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફીસર એમ એમ સોલંકી, (હાલ-મામલતદાર, જસદણ), સુભાન અલારખા મેર,
અબ્દુલ કાદર ઇલીયાસ કટીયા, ., અબ્દુલ હુસેન મોવર(તત્કાલીન પ્રમુખ-માળિયા મી.પાલિકા.),સલમાન હુસેન સંઘવાણી,નુરમામદ અબ્દુલા ભટ્ટી, દીલાવર ઇસુબ જામ , હનીફ જુસબ કટીયા, અલ્લારખા ઓસામણ જેડા, પોપટ દેવજી ઘોળકીયા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

આ કેસ મામલે સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું કે તત્કાલીન ચીફ ઓફિસર સોલંકીને ૨૨ દિવસનો ચીફ ઓફિસરનો ચાર્જ મળ્યો હતો. આ સમયે રેગ્યુલર ચીફ ઓફિસર તેઓની ચેકબુક સાથે લઈ ગયા હતા. તેમ છતાં તત્કાલીન ચિફ ઓફિસરે નવી ચેકબુક ઇસ્યુ કરાવીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું તેવું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. કુલ ૧૦ આરોપીઓ આ કૌભાંડમાં સંડોવાયેલ છે. પરંતુ ૯ની ધરપકડ થઈ હોવાથી તેઓને આજે ૫ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે આ આરોપીઓને એક દિવસના રિમાન્ડ એટલે કે આવતીકાલે સાંજે ૫ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. અને રિમાન્ડ દરમ્યાન હસ્તાક્ષર તથા ઉચાપત કરેલા રકમ કોના ખાતામાં જમા થઈ તે સહિતની વિગતો મેળવવા પોલીસ સઘન પૂછપરછ કરશે