ટંકારા તાલુકાનાં ૩ ગુલ્લીબાજ તલાટીઓને ગેરહાજરી બદલ ટીડીઓની નોટિસ

તાલુકા વિકાસ અધિકારીએ હાથ ધરેલા સરપ્રાઈઝ ચેકીંગમાં ૩ ગામના તલાટીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું

ટંકારા : ટંકારા તાલુકા વિકાસ અધિકારીએ અચાનક ગામની જાત મુલાકાત લેતા ૩ ગુલ્લીબાજ તલાટીઓ ફરજ સ્થળે હાજર ન હોવાનું સામે આવ્યું છે. જેથી ટીડીઓએ આ ત્રણેય ગુલ્લીબાજ ટીડીઓને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો પૂછ્યો છે.

ટંકારા તાલુકાના જુદાં જુદાં ગામોમાંથી આવતી ફરિયાદને અનુલક્ષીને તાલુકા વિકાસ અધિકારી એન.એમ.તરખાલા અને તાલુકા પંચાયત કચેરીનાં સ્ટાફ દ્વારા ગ્રામ પંચાયતોની આકસ્મિક ચકાસણી કરતાં સજનપર ગામનાં તલાટી કુ.કે.એમ.પટેલ, લજાઈ ગામનાં તલાટી કુ.પી.જી.ભેસદડીયા તથા અમરાપર અને ટોળ ગામનાં તલાટી પી.જી.ઝાલા ગામે હાજર ન હોય તેઓની સામે કારણદર્શક નોટીસો ફટકારવામાં આવી અને મુદત હરોળમાં ખુલાસો પુછવામાં આવ્યો હતો.

અચાનક ટીડીઓની ગામડે ચકાસણીથી તલાટી મંત્રીમા રીતસરનો ફફડાટ ફેલાયો છે. બીજી તરફ ગામમાં તલાટીની ગેરહાજરીથી હેરાન થતા અરજદારો પણ ટીડીઓની આ પ્રકારની કામગીરીથી ખુશ થયા છે.