લોકરક્ષક દળની પરીક્ષામાં મોરબીની ડી.જે.પટેલ સ્કૂલમાં ગંભીર છબરડો

- text


મહિલા સુપરવાઇઝરે પેપર આપવામાં ભૂલ કરતા નિર્દોષ ઉમેદવારો દંડાયા : અડધો કલાક પછી બીજી ઉતરવહીમાં જવાબ લખવા ફરજ પડાઈ

જિલ્લા પોલીસવડા સુધી ફરિયાદ કરાઈ : ઓનલાઇન ફરિયાદ કરવાનું કહી હાથ ખંખેરી નાખતા સ્થાનિક જવાબદારો

મોરબી : મોરબીમાં આજે યોજાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં ડી.જે.પટેલ કોલેજ ખાતેના કેન્દ્રમાં મહિલા સુપરવાઇઝરની ઘોર બેદરકારીને કારણે અનેક ઉમેદવારોને અડધો સમય વીત્યા બાદ નવી ઓએમઆર સીટ આપી નવેસરથી પેપર લખવા આપતા ઉમેદવારોને અડધું પેપર બાકી રહી જતા હંગામો મચી ગયો હતો, જો કે આ મામલે જિલ્લા પોલીસવડા સુધી ફરિયાદ કરવા છતાં જવાબદારોએ હાથ ખંખેરી નાખતા ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે.

જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લામાં આજે જુદી – જુદી શાળા કોલેજોમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ હતી જેમાં ડી.જે. પટેલ કોલેજમાં એક કલાસ રૂમમાં મહિલા સુપરવાઇઝરે અક્કલનું પ્રદર્શન કરી હાજર અને ગેરહાજર તમામ ઉમેદવારોની જગ્યા ઉપર પેપર એટલે કે ઓએમઆર સીટો મૂકી હતી અને બાદમાં રાબેતા મુજબ વિદ્યાર્થીઓ ઉત્સાહથી ઉતરવહીમાં સીટ નમ્બર સહિતની વિગતો ફિલ કરી ઉતરવહીમાં લખવાનું શરૂ કર્યું હતું પરંતુ ગરબડ ગોટાળો કર્યાનું ધ્યાને આવતા મહિલા સુપરવાઇઝરે તમામના પેપર આડાઅવળા થઈ ગયા હોય ઉત્તરવહી પાછી માંગી લીધી હતી અને ખાસ્સો સમય વીત્યા બાદ ફરી નવી ઉતરવહી આપતા ઉમેદવારોના સમય બરબાદ થયો હતો.

- text

બીજી તરફ મહિલા સુપરવાઇઝરની ઘોર બેદરકારીના પાપે અનેક ઉમેદવારો સમયના અભાવે અડધું પેપર લખી શક્યા ન હતા કઈક આવું જ લોકરક્ષક દળની પરીક્ષા આપનાર સોમેશ્વરસિંહ સાથે થયું હતું અને તેમને મીડિયા સમક્ષ આવી ચોકવનારી વિગતો જાહેર કરી હતી.

આશ્ચર્ય તો એ વાતનું છે કે આ ગંભીર પ્રશ્ને સોમેશ્વરસિંહ સાહિતનાઓએ જિલ્લા પોલીસવડા સુધી ફરિયાદ કરી હતી પરંતુ જવાબદારોએ ઓનલાઇન ફરીયાદ કરવાનું રોકડું પરખાવી હાથ ખંખેરી નાખતા ઉમેદવારોમાં રોષની લાગણી ફાટી નીકળી હતી.

- text