મોરબીમાં ઇન્કમટેક્સના મેગા દરોડામાં ૪૮ કલાકમાં ૪.૮ કરોડ રોકડા મળ્યા

- text


કબૂતર બીલિંગમાં કરોડોનું બે નંબરી હિસાબી સાહિત્ય આઇટીના હાથમાં

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટી કહી શકાય એવી ઇન્કમટેક્સની રેડ મોરબીમાં ૪૮ કલાક બાદ પણ હજુ ચાલુ રહેવા પામી છે અને અડતાલીસ કલાકના અંતે રોકડનો આંકડો વધીને ૪.૮ કરોડને વટી ગયો હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે જીએસટી આજ દિન સુધી નથી પકડી શકી એવું મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતું કબૂતર બીલનું કારસ્તાન ખુલ્લું પાડવામાં ઇન્કમટેક્સને બહુ મોટી સફળતા મળી છે અને હાલમાં કરોડોના આવા બે નંબરી વ્યવહારનું સાહિત્ય આઇટીના હાથમાં આવી જતા આ રેલો બીજા અનેક ઉદ્યોગપતિઓ અને દેશભરના સિરામિક ડિલર્સને પણ લઈ ડૂબે તેમ હોવાનું વર્તુળો જણાવી રહ્યા છે.

ગુરુવારે વહેલી સવારે ઇન્કમટેક્સ રાજકોટ રેન્જ દ્વારા પુરા હોમવર્ક સાથે ૨૦૦ ચુનંદા અધિકારીઓના કાફલાને સાથે રાખી મોરબીના કોરલ અને કૅપશન ગ્રુપ ઉપર રીતસરની તવાઈ ઉતરતા મોરબી જ નહીં બલ્કે દેશભરમાં ઇન્કમટેક્સના આ દરોડાથી ખળભળાટ મચી ગયો છે, સૌરાષ્ટ્ર અને મોરબીના સૌથી મોટા કહી શકાય તેવા આ દરોડાની કાર્યવાહી ૪૮ કલાક બાદ પણ મેરેથોન દોડની જેમ ચાલુ છે અને આ અડતાલીસ કલાકના સમયગાળામાં ઇન્કમટેક્સ વિભાગે ૪.૮ કરોડની રોકડ રકમ જપ્ત કરવાની સાથે ૨૬ બેન્ક લોકર સીલ કરી દીધા છે અને આ લોકર ખીલે ત્યારે મોટો ખજાનો ખુલ્લે તેમ હોવાની શક્યતા ઇન્કમટેક્સના ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

- text

ઇન્કમટેક્સના આ મેરેથોન દરોડામાં સૌથી અગત્યની અને ચોકવનારી બાબત એ સામે આવી છે કે અત્યાર સુધી ભ્રષ્ટ જીએસટી વિભાગની કૃપાથી મોરબીમાં બેફામ પણે ચાલતું અને કદી બહાર ન આવેલું કબૂતર બિલ કૌભાંડ ખુલીને બહાર આવ્યું છે અને કબૂતર બિલના આ કૌભાંડમાં આઇટીના હાથમાં કરોડો રૂપિયાના વ્યવહારોનું સાહિત્ય આવી જતા સિરામિક લોબીમાં રીતસર ભૂકંપ સર્જાયો છે.

મોરબીમાં પડેલા ઇન્કમટેક્સના આ દરોડાની આડ અસર કહો કે આગળની તપાસ કહો આગામી દિવસોમાં ઇન્કમટેક્સ વિભાગ આ કરોડો રૂપિયાના સહિત્યને લઈ ગુજરાત અને ગુજરાત બહાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યમાં કરવામાં આવેલ વ્યવહારોને પણ વીણી – વીણીને શોધવા કમર કસી હોવાનું પણ ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

જો કે સતત ૪૮ કલાકથી ચાલી રહેલી ઇન્કમટેક્સની આ રેડ હજુ પણ યથાવત છે અને આવનાર કલાકોમાં હજુ પણ મસમોટા વ્યવહારો બહાર આવવાની શક્યતા જોવાઇ રહી છે.

- text