મોરબીમાં આઇટીનો રેલો જીએસટીને પહોંચ્યો : જીએસટી ઇન્ટેલિજન્સ ટીમના ૧૦થી વધુ ટ્રાન્સપોર્ટમાં દરોડા

- text


 

કબૂતર બિલના આધારે ટાઇલ્સની બે નંબરી હેરાફેરી થતી હોવાની આશંકાએ ટ્રાન્સપોર્ટોને ત્યાં ઓપરેશન શરૂ

મોરબી : મોરબીમાં છેલ્લા ૪૮ કલાકથી ઇન્કમટેકસ વિભાગે દરોડા પાડી કબૂતર બિલના આધારે કરાતી કરચોરી ઝડપી લેતા તેનો સીધો જ રેલો જીએસટીને આવ્યો છે પરિણામ સ્વરૂપ જીએસટી ઇન્ટેલિજન્સની ટીમે ટાઇલ્સની બે નંબરી હેરાફરી થતી હોવાની આશંકાએ ૧૦થી વધુ ટ્રાન્સપોર્ટોને ટારગેટ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ઇન્કમટેક્ષ વિભાગના ૨૦૦ અધિકારીઓએ સીરામીક ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા હજુ યથાવત છે. અને દરોડામાં બોગસ બીલને આધારે કરચોરીનું કૌભાંડ ખુલ્લું પડતા જીએસટી ઇન્ટેલિજન્સ ટીમે પણ દરોડા પાડ્યા હોવાની વિગતો બહાર આવી છે. મોરબીના ૧૦થી વધુ મોટાગજાના ટ્રાન્સપોર્ટોને ત્યાં જીએસટી ઇન્ટેલિજન્સ ટીમે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં ૧૪ ટીમોના ૭૦ જેટલા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

- text

ટાઇલ્સની બે નંબરની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ઇન્કમટેક્સના દરોડામાં બહાર આવ્યું છે ત્યારે જીએસટી ઇન્ટેલિજન્સ ટીમે સીરામીક સિટીના ટ્રાન્સપોર્ટરોને ઝપેટમાં લીધા છે. મોરબી ઉપરાંત ગાંધીધામ અને જામનગરમાં પણ આ પ્રકારે જીએસટી વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. આ દરોડામાં ત્રીમુર્તિ રોડવેઝ, વેલુર ટ્રાન્સપોર્ટ, દિલ્હી- અમદાવાદ રોડ કેરીયર, ન્યુ સત્યમ રોડવેઝ સહિતની જગ્યાએ સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું હોવાની વિગતો મળી છે.

- text