મોરબીવાસીઓ ચેતજો : ડ્રાઇવિંગ દરમિયાન એક ફોન કોલ રૂ. ૧ હજારમાં પડી શકે છે

- text


એક યુવાનને ડ્રાઇવિંગ વખતે ફોન પર વાત કરી હોવાથી રૂ. ૧ હજારનું ઇ ચલણ આવ્યું : ઇ ચલણનો ફોટો સોશ્યલ મીડિયાના વાયરલ

મોરબી : પોતાની તેમજ બીજાની સલામતી માટે ટ્રાફિક નિયમનું પાલન કરવુંએ ખૂબ જરૂરી છે. તેમ છતાં ટ્રાફિક નિમયોનું જાણી જોઈને ઉલ્લંઘન કરનારા સામે પોલીસ દંડનીય કાર્યવાહી કરે છે. આવી જ રીતે એક યુવાન ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતો કેમેરામાં કેદ થયો હોવાથી તેને રૂ. ૧ હજારનું ઇ ચલણ ફટકારાયું હતું. આ ઇ ચલણનો ફોટો હાલ સોશ્યલ મીડિયામા ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાતો જઇ રહ્યો છે. જેથી ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. ઉપરાંત પોતાની તેમજ બીજાની સલામતી માટે પણ ટ્રાફિક નિયમો પાળવા એ ખૂબ જરૂરી છે. પોલીસ દ્વારા પણ લોકોમાં ટ્રાફિક વિશેની જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેમ છતાં પણ જાણી જોઈને ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરતા લોકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.

- text

હાલ મોરબી શહેરમાં તીસરી આંખ કાર્યરત છે. જે ટ્રાફિક નિયમોની ઉલ્લંઘન કરતા લોકોને ઝડપી પાડે છે. બાદમાં પોલીસ પુરાવા સાથે નિયમ તોડનારના ઘરે ઇ ચલણ મોકલી આપે છે. આ રીતે મોરબીના એક યુવાન હસમુખભાઈ ઝાલરીયાને પણ ઇ ચલણ મળ્યું છે. તેઓ પોતાના સ્કૂટરમાં ફોન પર વાત કરતા જતા હતા. આ દરમિયાન કેમેરાએ તેમનો ફોટો કેદ કરી લીધો હતો.

મહત્વની વાત તો એ છે કે આ યુવાનને બાઇક ડ્રાઇવિંગ કરતી વેળાએ ફોનનો ઉપયોગ કરવો એક હજારમાં પડ્યો હતો. યુવાનને મળેલા આ ઇ ચલણનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ બન્યો છે. જેમા એવું પણ જણાવવામાં આવ્યું છે કે ચાલુ ડ્રાઇવિંગે ફોન પર વાત કરવા વાળા ચેતી જજો. આ વાત રૂ. ૧ હજારમાં પડી શકે છે. યુવાનના આ ઇ ચલણનો ફોટો જોઈને લોકો ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરવાનું ટાળે તેવા ઈરાદાથી સૌ કોઈ આ મેસેજને આગળ ફોરવર્ડ કરી રહ્યા છે.

- text