માળિયાના ચાચાવદરડા ગામે તસ્કરોનો તરખાટ રોકવા ગામલોકોનો રાત્રી પહેરો

વારંવાર ચોરીના બનાવો બનતા ગામલોકો જાતે જ કરે છે ચોકી પહેરો

મોરબી : માળિયાના પીપળીયા ચાર રસ્તા તથા ચાચાવદરડા ગામ સહિત આસપાસના વિસ્તારો પોલીસ કરતા તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ એટલી હદે વધી ગયું છે કે,ગામલોકોને રાત ઉજાગર કરવા પડી રહ્યા છે.પોલીસ મદદે ન આવતા ચોરીના બનાવો અટકાવવા માટે આવી કડકડતી ટાઢમાં ચાચાવદરડા ગામના લોકો હમણાંથી દરરોજ રાત્રી પહેરો કરી રહ્યા છે.

માળિયાના પીપળીયા ચાર રસ્તા અને આસપાસના ચાચાવદરડા ગામ સહિતના વિસ્તારોમાં ઠંડી વધતાની સાથે જ જાણે પોલીસ ગરમ ધાબળામાં નસકોરા બોલાવતી હોય તેમ રેઢાપડ પડેલા આ વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે.જો કે પીપળીયા ચોકડી પાસે થોડા દિવસો પહેલા સાત દુકાનો તૂટી હતી. કહેવાતા નાઈટ પેટ્રોલીંગના ધજજીયા ઉડી ગયા બાદ પણ પોલીસે આ બનાવની તપાસમાં પણ બેદરકારી રાખીને કાર્યવાહી સામે જાતે જ સવાલ ખડા કર્યા હતા.જો કે ચાચાવદરડા ગામ અને આસપાસના વિસ્તારોમાં ચોરીના બનાવો વધતા હોય અને ઉપરથી પોલીસ તરફથી યોગ્ય મદદ ન મળતા પોતાની કિંમતી માલમતા સાચવવા માટે ગામ લોકોએ રાત્રી પહેરો શરૂ કર્યો છે.અને દરરોજ પાંચ થી છ યુવાનો આવી કાતિલ ઠંડીમાં પણ રાત ઉજાગર કરીને ગામનો ચોકી પહેરો ભરી રહ્યા છે.