માળીયાના ખીરઇ ગામે મામા, ફઈના ભાઈઓ વચ્ચે લોહિયાળ ધીંગાણું : ૧૪ ઘાયલ

એક જ શેરીમાં રહેતા કૌટુંબિક ભાઈઓ વચ્ચે ધારીયા, તલવાર અને છુટા હાથની મારામારી

માળીયા : માળીયા મિયાણા તાલુકાના નાના એવા ખીરઇ ગામે આજે સાંજે મામા – ફાઈના કૌટુંબિક ભાઈઓ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થયા બાદ બન્ને પક્ષે હાથ આવ્યું એ હથિયાર લઈ સામા – સામે આવી જતા આ મીની યુદ્ધમાં કુલ મળી ૧૪ લોકો ઇજાગ્રસ્ત બનતા ઇજાગ્રસ્તોને માળીયા, મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જો કે, હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામે ભટ્ટી અને લધાણી કુટુંબના મામા – ફાઈના સભ્યો વચ્ચે આજે સાંજના સમયે કોઈ બાબતે ઝઘડો થતા આ ઝઘડાએ હિંસકરૂપ ધારણ કરી લીધું હતું અને જોત – જોતામાં બન્ને પક્ષના સભ્યો હાથ આવ્યું એ હથિયાર લઈ નીકળી પડતા લાકડી, ધારીયા સાથેના આ દંગલમાં બન્ને પક્ષના ૧૪ સભ્યો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ધીંગાણામાં રમઝાન ઓસમાણ ઉ.૩૦, અબ્બાસ અબ્દુલભાઇ, અવેશ ઓસમાણ લધાણી, મોહસીન અબ્દુલ લધાણી, ગુલામ મોવરભાઈ લધાણી ઉ.૫૦, ઓસમાણ મોવરભાઈ લધાણી ઉ.૬૦, મહેબૂબ ગુલામ લધાણી ઉ.૧૬, ફારૂક ઓસમાણ લધાણી ઉ.૧૬, ફારૂક ઇકબાલ લધાણી ઉ.૧૭ને ઇજાઓ પહોંચી હતી.

આ ઉપરાંત મામા ફાઈના સભ્યો વચ્ચે ખેલાયેલા આ લોહિયાળ જંગમાં હારુન ઇસાભાઈ ભટ્ટી, રમઝાન હારુનભાઈ ભટ્ટી, સુલેમાન અહેમદ, મુરદીનભાઈ હાસમભાઈ અને સોક્ત હાસમભાઈ નામના ઇસમોને પણ ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને માળીયા અને મોરબી ખસેડવામાં આવ્યા હતા જે પૈકી આઠની હાલત વધુ ગંભીર જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન આ બનાવ અંગે માળીયા પીએસઆઈ જે.ડી.ઝાલાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે આ ગંભીર બનાવ મામલે માળીયા પોલીસે ખીરઇ ગામેં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રાજકોટ અને મોરબી ખાતે ઇજાગ્રસ્તોની ફરિયાદ લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જો કે, હજુ સુધી ઝઘડાનું સાચું કારણ બહાર આવ્યું નથી.