ફિલ્મ રિવ્યુ : ઝીરો (હિન્દી) : મેરઠથી મંગળ સુધી

- text


લોજીકને ઘરે મૂકીને, દિમાગને તડકે મૂકીને અને ફક્ત સ્ટારડમ તથા સ્વેગ જોવા માટે સલમાન ખાનની ફિલ્મો છેલ્લાં થોડાં સમયથી એકબીજાની કોમ્પિટિશન કરતી રહી છે, એમાં હવે શાહરુખભાઈએ પણ પોતાનું યાદગાર પ્રદાન કરવાનું ચાલુ કરી દીધું હોય એવું લાગે છે. (ઓમ શાંતિ ઓમની વાત નથી કરતો, એ તો કૈંક સારી હતી.) વાત છે, ઝીરોની. બૉલીવુડના હીરોની ફિલ્મ ‘ઝીરો’ની.

જે ફિલ્મના ટ્રેઇલરે અત્યારસુધીના સૌથી વધુ વ્યૂઝનો રેકોર્ડ બનાવી દીધો હોય, એ ફિલ્મ પર ઓટોમેટીક સફળતાનું પ્રેશર આવી જાય, ને ફિલ્મમાં ટોપ સ્ટાર્સ હોય, આનંદ એલ. રાય જેવા ડિરેક્ટર હોય, એટલે તો ફિલ્મ પાસે પર્ફોર્મન્સની અપેક્ષા ઝીરો તો ન જ હોય. ફિલ્મ ઝીરો એ લવ સ્ટોરી ડ્રામા કમ ફિઝીકલી ચેલેન્જડ પર્સનઝ સ્ટોરી છે, જેનો ક્લાઈમેક્સ સાયન્સ ફિક્શન જેવો છે. છે ને ઝીરોની જેમ બધુ ગોળ ગોળ!!

મેરઠના મિડલકલાસ પરિવારનો ચિરાગ ‘બૌઆસિંગ’ ચાર ફૂટ છ ઇંચનો 38 વર્ષનો કુંવારો યુવાન છે. જેને લગ્ન કરવા છે, પણ તેની આ શારીરિક અક્ષમતા આડે આવે છે. તે ચબરાક છે, હોશિયાર છે, લોકોને પોતાની વાતોથી પોતાના કરી શકે છે, ઝાઝું ભણ્યો નથી ને ફિલ્મોનો રસિક છે. આ બૌઆસિંગ થોડો ઘમંડી છે, પૈસાઉડાઉ છે, પણ સાફદિલનો છે. પોતાની સાથે થયેલા કુદરતના અન્યાયનો એને રંજ છે, પણ નિરાશા નથી. આત્મવિશ્વાસથી ભરપૂર એવો આ બૌઆ NSAR(નાસા જેવી સંસ્થા)ની વૈજ્ઞાનિકના પ્રેમમાં પડે છે, અને તેણીને પણ પાડે છે.

સેરેબ્રલ પાલ્સી રોગથી પીડિત સ્પેસ સાયન્ટીસ્ટ આફિયાનો રોલ કર્યો છે અનુષ્કા શર્માએ. તેણીએ પ્રયત્ન સારો કર્યો છે. રોલને રીઅલ બતાડવાના પ્રયત્નપૂર્વકની તેની મહેનત દેખાઈ છે, પણ એ ક્યાંક ખૂંચે પણ છે. જોકે, થોડીવાર પછી તેના કેરેક્ટર સાથે આપણે રિલેક્સ થઈ શકીએ છીએ. વિચિત્ર રીતે ડાયલોગ ડિલિવરી માટે તેણીએ ખૂબ મહેનત કરી હશે. તે ફિલ્મમાં મોટાભાગના દ્રશ્યોમાં વ્હીલ ચેર સાથે જ જોવા મળે છે. કહે છે કે, અનુષ્કાએ એક મહિના સુધી એમાં બેસવાની ઘરે પ્રેકટીસ કરી હતી. આ વૈજ્ઞાનિક મંગળ ગ્રહ પર સંશોધન કરતી સંસ્થા સાથે કામ કરે છે. બૌઆસિંગમાં તેણીને એક સાચો પ્રેમી દેખાય છે. બંને પ્રેમમાં પડે છે. પણ આ તો બોલીવુડ છે. કહાનીમેં ટ્વિસ્ટ આવે છે. એ શું છે એ તો ફિલ્મમાં છે જ, પણ અહીંથી નાના શહેરના પાત્રોથી શરૂ થયેલ વાર્તા મેટ્રોસીટી તરફ વળે છે.

ફિલ્મમાં લીડ કેરેક્ટરમાં વધુ એક મોટું નામ કેટરીના કૈફ છે. કર્લી હેરમાં તેણીનો ન્યુ લૂક માશાલ્લાહ લાગે છે! મોટાભાગની કૈફની ફિલ્મો કરતા તેણી માટે અહીં વધારે સ્પેસ છે. આ રોલ તેણીની પર્સનલ લાઇફને થોડોઘણો મળતો આવે એવો હોય, તેણી કમ્ફર્ટેબલ લાગે છે. શાહરુખ અનુષ્કા હોવા છતાં, તેણીની હાજરી દેખાય છે.

- text

ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ. રાય તનુ વેડ્સ મનુ સિરીઝ અને રાંઝણા જેવી ફિલ્મો કરી ચુક્યા છે. એક માઇલસ્ટોન ડાયરેક્ટર તરીકે તેમની ફિલ્મ ઝીરો કરતા કૈંક વધુ હોવી જોઈતી હતી. અગાઉની ફિલ્મો જેટલી ફ્રેશનેશ આ ફિલ્મમાં નથી જન્માવી શક્યા. કેટલાક સીન્સ સરસ ઇમોશનલ છે, પણ એના આધારે ફિલ્મ ઉંચકાતી નથી. શરૂઆતમાં તો ફિલ્મ તમને કલાસિક ક્લાઈમેક્સવાળી લાગે પણ એવું થતું નથી.(ફિલ્મ એન્ડમાં મંગળ ગ્રહ પર ફંટાઈ જાય છે.) સ્ક્રિનપ્લે ફર્સ્ટ હાફમાં સારો છે. કેરેક્ટર બીલ્ટઅપ સરસ છે, પણ એનું ઍકઝીક્યુશન થતું નથી. એડિટિંગ નબળું છે. થોડું રોમેન્ટિક મિક્સચર છે પણ એ જામતું નથી.

ફિલ્મની સબળી બાબત એ છે કે, ફિલ્મ સહાનુભૂતિ માટે નથી બનાવી, સહજતાથી જ બંને કેરેક્ટર આપણી સામે આવે છે. એમની લવસ્ટોરી છે, એમના વિશેની સ્ટોરી નથી. VFXની મદદથી શાહરુખને ઠીંગણો બતાવ્યો છે, એ દરેક સીન્સમાં પર્ફેક્ટ લાગે છે. ફિલ્મમાં લોજીકનો ઘણી જગ્યાએ અભાવ છે. 10 સુધી પણ ન ભણેલો વ્યક્તિ, વૈજ્ઞાનિકના પ્રેમમાં પડે, ફિલ્મ સ્ટારના જીવન સુધી પહોંચે અને એસ્ટ્રોનોટ બને એ જરા વધુ પડતું છે. એક મીડલકલાસ ફેમીલીમેન એક રાત્રીમાં છ લાખ ખર્ચે એ પણ માન્યામાં ન આવ્યું.

ફિલ્મનું સંગીત છે, છતાંય નથી. એક બે સોંગ્સ યુટ્યુબ પર ફેમસ છે, પણ કાયમ યાદ રહી જાય એવા નથી. નુસરત ફતેહ અલી ખાનનું ‘તન્હા’ રીકંપોઝ થયું એ સાંભળવું ગમે છે. ફિલ્મમાં બૉલીવુડ કલાકારોનો કાફલો એક સીનમાં આવે છે. હીરોઇન્સનો કેમિયો છે. ગીરના નવ સિંહોનો એક સાથે પાણી પીતો ફોટો જેમ અમર થઈ ગયો છે, એવો જ અમર સીન આ કહી શકાય. અહીં કાજોલ, રાની મુખર્જી, કરિશ્મા કપૂર, દીપિકા, આલિયા વગેરેની સાથે શ્રીદેવી પણ જોવા મળે છે, એ સીન સરસ છે, ત્યાં એકાદ ગીત મુકવાની જરૂર હતી. સ્ટુડિયો 9ના એક સીનમાં દરવાજાની બહારની દિવાલે શ્રીદેવીના હવાહવાઈ પોઝ શ્રદ્ધાંજલિરૂપે પછીથી ઉમેર્યા હોય શકે. ગેસ્ટ અપીરિયન્સ તરીકે આર.માધવન, અભય દેઓલ આવે છે અને સલમાન ખાન પણ ‘ઇશકબાઝી સે’ ગીતમાં શાહરુખ સાથે નાચે છે.

જોવાય કે નહીં ?
શાહરૂખના ફેન્સને તો કોઈ રોકી નથી શકવાનું. ફિલ્મ જોવાનું એ સિવાય કોઈ જ કારણ મને તો દેખાતું નથી. ટાઈમપાસ માટે જોવાય. બાકી થોડો સમય વેઇટ કરો, ટીવી પર આવી જશે બે મહિનામાં તો!

‘ઇશકબાઝી સે’ ગીતમાં ગણેશ આચાર્ય અને રેમો ડિસોઝા બંને કોરિયોગ્રાફર પણ ઓનસ્ક્રિન ડાન્સ કરે છે, આ છે આનંદ રાય ટચ. જે ફિલ્મમાં વધુ હોત તો ઓર મજા આવત, પણ ટાઇટલને જસ્ટિફાય કરવું પડે ને !

રેટિંગ : 4.5/10

આલેખન : મનન બુધ્ધદેવ
FB : Master Manan
વ્હોટ્સએપ : 9879873873

- text