હળવદમા માં સરસ્વતીના સાક્ષાત્કાર !!

- text


 

પૈસા પાછળ દોડતા આ જમાનામાં નિવૃત્તિ બાદ પણ નિસ્વાર્થ શિક્ષણ આપતા બે શિક્ષિકા બહેનો

હળવદ : આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ એટલે કે શિક્ષકનું સ્થાન મુઠ્ઠી ઉંચેરું ગણાય છે અને એટલે જ તો માતા – પિતા બાદ ત્રીજું ગૌરવભર્યું સ્થાન શિક્ષકનું છે તેથી જ કહેવાય છે કે ‘ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર, ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ: આજના સમયમાં આવા ગુરુ એટલે કે શિક્ષકો મળવા મુશ્કેલ છે ત્યારે હળવદમાં સરકારી નોકરીમાંથી નિવૃત થયા બાદ બે શિક્ષિકા એટલે કે સાક્ષાત સરસ્વતીજી એવા છે જેઓ વયમર્યાદાના કારણે ફરજ નિવૃત થયા છે પરંતુ આજે પણ બાળકોને શિક્ષણ આપવા કાર્યરત છે.

સાવ મામુલી લાગતી હળવદના બે શિક્ષિકાબેનની વાત જો ગહન વિચારની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ અમૂલ્ય છે, આજના સમયમાં પુત્રને માતા – પિતા સાથે વાતો કરવાનો સમય નથી સાચવાની વાત તો દૂર છે ! સૌ કોઈ સ્વાર્થનું અને લક્ષ્મીજીનું સગુ છે ત્યારે હળવદના મુઠ્ઠી ઉંચેરા બિન્દુબેન જે.રાવલ અને નર્મદાબેન દેવમુરારીની વાત જ કંઈક અનેરી છે, બન્ને શિક્ષિકા બહેનો વયમર્યાદાના કારણે નિવૃત થયા છે અને ધારે તો આરામથી પરિવાર સાથે નિરાંતની પળો માણી આરામ કરી શકે તેમ છે, પરંતુ અનોખી માટીના બનેલા આ બન્ને ગુરુદેવ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે કારણ કે તેઓના હૈયે ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને ભણાવવાની ચિંતા કોરી ખાય છે.

- text

હળવદમાં આવેલી જિલ્લા પંચાયત હસ્તકની ડી.વી.પરખાણી શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે જેની ચિંતા ખરા અર્થમાં સરકારને અને સરકારી બાબુઓને થવી જોઈએ પરંતુ અફસોસ આવું શક્ય નથી ! પરંતુ કહેવાય છે ને સત ને આધારે આ ધરતી ટકી છે આથી જ આ શાળામાં શિક્ષિકા તરીકે અગાઉ ફરજ બજાવતા અને હાલ નિવૃત થયેલા શિક્ષિકા બિન્દુબેન જે. રાવલ તથા નર્મદાબેન દેવમોરારી પોતાની નિવૃત્તિ બાદ પણ ડી.વી. પરખાણી પે.સેન્ટર શાળામાં બાળકોનુ શિક્ષણ બગડે નહી તેવા હેતુ સાથે છેલ્લા ઘણા સમયથી નિસ્વાર્થ ભાવે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે બંને શિક્ષિકાઓની નિસ્વાર્થ સેવાને શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ તથા સમગ્ર વાલી ગણ બિરદાવી રહ્યા છે.

આ સંજોગોમાં એટલું તો ખરું જ કે આજ કાલ સમય બદલાયો છે.આજે પણ અર્જુન છે અને દ્રોણાચાર્ય પણ છે જ, પણ આ બંનેનો મેળાપ નથી થઇ શકતો, માં બાપની અપેક્ષાઓ પણ વધી ગઈ છે, શિક્ષકો પણ પૈસાની લાલચમાં શાળામાં ઓછું ભણાવે જેથી વિદ્યાર્થીઓને ટ્યુશન માટે બોલાવી કમાણી કરી શકાય આવી વિચારધારા ધરાવતા આજના શિક્ષકોએ હળવદના ખરા અર્થમાં ગુરુ કહેવાય તેવા સાક્ષાત સરસ્વતીદેવીના જીવન આચરણમાંથી બોધપાઠ લેવો જ રહ્યો તો જ કહી શકાશે કે ભણશે ગુજરાત.

- text