રક્તપિત્તના દર્દીઓ માટે રૂ. ૧.૪૦ કરોડનું દાન એકત્રિત કરતા મોરબીના શિક્ષક

- text


૨૯ વર્ષ પહેલાં શબ્દવેધ કોલમ વાંચી શિક્ષકના જીવનમાં જંજાવાત આવ્યો અને શરૂ કરી અનેરી સેવા

મોરબી : આજના આધુનિક યુગમાં પણ રક્તપિતના દર્દીને અસ્પૃશ્ય ભાવથી જોવામાં આવી રહ્યો છે અને રક્તપિતના દર્દી અત્યંત દારૂણાવસ્થામાં જીવતા હોય છે ત્યારે મોરબી જિલ્લાના પંચવટી (ખીરઇ) ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા શિક્ષકે વર્તમાનપત્રમાં શબ્દવેધ કોલમ વાંચ્યા બાદ સમગ્ર જીવન રક્તપિત્તના દર્દીઓ અને ગરીબોની સેવામાં વ્યતીત કરવા સંકલ્પ કરી મોરબીમાંથી અત્યાર સુધીમાં ૧.૪૦ કરોડનું માતબર અનુદાન આ દર્દીઓ માટે એકત્રિત કરાવી આપ્યું છે.

મૂળ મોરબી જિલ્લાના માળીયા તાલુકાના પંચવટી ( ખીરઇ ) ગામના વતની અને હાલમાં મોરબીમાં સ્થાયી થયેલા ચંદુલાલભાઈ દલસાણીયા હાલ સેવા નિવૃત થયા છે અને હિંમતનગર ખાતે આવેલી સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટ નામની સંસ્થા સાથે દિલથી જોડાયેલા છે.

૨૯ વર્ષ પૂર્વે પ્રખ્યાત લેખક રજનીકુમાર પંડ્યાની શબ્દવેધ કોલમ વાંચ્યા બાદ ચંદુલાલભાઈનું દિલ રીતસર દ્રવી ઉઠ્યું અને ત્યારથી જીવનભર રક્તપિતના દર્દીઓની સેવા કરવા મનમાં ગાંઠ વાળી લીધી અને દર્દીઓમાં નારાયણ ના દર્શન કરતી આ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ માહિતી પુસ્તિકાની ૧૫૦૦ પ્રત છપાવી સગા વ્હાલાઓ અને સ્નેહી જનોમાં વિતરણ કરી ફૂલ નહી તો ફૂલની પાંખડીની જેમ અવિરત ફંડ ફાળો ઉઘરાવી સંસ્થાને મોકલવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું જે આજે પણ યથાવત છે અને અત્યાર સુધીમાં ૧.૪૦ કરોડ રૂપિયાનું અનુદાન આ સંસ્થાને મોકલી આપ્યું છે.

વધુમાં રક્તપિતના દર્દીઓની સેવા કરતી સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટ નામની સંસ્થા રક્તપિતના દર્દીઓના દિલ અને શરીર ઉપરના જખમોને મલમ ચોપડતી આ સંસ્થા એમની વ્યથાની સાથે સાથે મંદબુદ્ધિ અને અનાથ લોકોનો પ્રેમ આપવાનું કામ પણ કરી રહી છે, આ સંસ્થામાં હાલમાં ૩૦૦થી વધુ રક્તપિત્તના દર્દીઓ, ૪૫૦ મંદબુદ્ધિ ધરાવતા ભાઈઓ બહેનો, ૩૦૦ જેટલા અનાથ બાળકો સહિત કુલ ૧૦૭૧ સાચા દરિદ્ર નારાયણ અને અને દિનદુખીયા પ્રેમ હૂંફ મેળવી રહ્યા છે ઉપરાંત ૪૭ જેટલી વૃદ્ધ અશક્ત ગૌમાતાની પણ અહીં સેવા થઈ રહી છે.

- text

ચંદુલાલભાઈ દલસાણીયાના આ સેવા કાર્ય અને પુસ્તિકા વિતરણ બાદ સીઆરસી મોરબીના શિક્ષકો દ્વારા ૧, ૭૧ લાખનો માતબર ફાળો આપવાની સાથે મોરબીના સિરામિક ઉદ્યોગકારો અને ઘડિયાળ ઉદ્યોગના અગ્રણીઓને આ સંસ્થાની રૂબરૂ મુલાકાતે લઈ જવાય હતા જ્યાં કરશનભાઈ આદ્રોજા, ડો.પી.વી.એરવાડિયા, અને રામજીભાઈ દેત્રોજાના સહયોગથી દાનની સરવાણીનો ધોધ વછૂટ્યો અને સંસ્થા જોવા ગયા બાદ ત્રીસ લાખ રૂપિયાનું દાન આપ્યું.

ત્યાર બાદ સતત દાનની સરવાણી ચાલુ રહેવાની સાથે મુલાકાતીઓની સંખ્યા પણ વધી છે અને હાલમાં જન્મદિવસ, લગ્નતિથી અને અન્ય સારા માઠા પ્રસંગોમાં આ સંસ્થાને નિવૃત શિક્ષક ચંદુલાલભાઈ મારફતે દરમહીને અંદાજે ૧ થી દોઢ લાખ જેવી ધનરાશિ મોકલવમાં આવી રહી છે, જોગનું જોગ આજે ચંદુલાલભાઈ દલસાણીયાનો જન્મદિવસ છે ત્યારે ઈશ્વર તેઓને દીર્ઘ આયુષ્ય આપે અને સતત આવા સાચા દરિદ્ર નારાયણની સેવા કરતા રહે તેવી મોરબી અપડેટની ટીમ સૌ વાચકો વતી શુભકામના પાઠવે છે.

- text