મોરબી – ગજડી રૂટના એસટી બસ ડ્રાઇવરને સો – સો સલામ

- text


સગાભાઈનું અવસાન થયુ હોવાની જાણ થવા છતાં એસટી ડ્રાઇવરે ક્લોગા ગજડી ગામની વિદ્યાર્થીનિઓ હેરાન ન થાય તે માટે રૂટ ન છોડ્યો

મોરબી : બરાબર બપોરનો સમય છે….મોરબીથી ગજડી રૂટની એસટી બસમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રાબેતા મુજબ સીટમાં ગોઠવાઈ ગયા…અને બસ ચાલવા લાગી…પરંતુ કોણ જાણે કેમ આજે હસી મજાકનો સ્વભાવ ધરાવતા એસટીના પાયલોટ અનિલભાઈ જોશીના ચહેરા ઉપર ચિંતા છે… ઉતાવળે બસ ગજડી પહોંચે છે ત્યાં પણ મુસાફરોને કહેવામાં આવે છે થોડી ઝડપ કરજો….જલ્દી મોરબી પહોંચવાનું છે… આજના હળાહળ કલિયુગમાં માનવતા મરી પરવારી ન હોવાના આ કિસ્સામાં એસટી ડ્રાઇવરના સગા નાના ભાઈનું દેહાંત થયુ હોવાના સમાચાર મળવા છતાં તેમણે અન્યોની જેમ નોકરી અધૂરી છોડવાને બદલે ફરજ પ્રત્યે જવાબદારી અને ખાસ કરીને બસમાં મુસાફરી કરતી અંતરળિયાળ ગામની દીકરીઓની ચિંતા કરી માઠા પ્રસંગને પણ બે ઘડી થંભી જવા કહી દીધું !!

ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનના આજના આધુનિક જમાનો આવવા છતાં હજુ આજેય રાજ્યના દૂર દરાજના અંતરિયાળ ગામોનો સઘળો વ્યવહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટીની બસ ઉપર ચાલી રહ્યો છે, અને એસટી બસના કંડકટર અને ડ્રાઇવરો પણ આવા અંતરિયાળ ગામોના રહેવાસીઓ સાથે સરકારી કર્મચારી નહિ પણ આત્મીયતાના નાતે જોડાયેલ હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબી એસટી ડેપોને ડ્રાઇવરે ન માત્ર મોરબી એસટી વિભાગ બલ્કે સમગ્ર રાજ્યના એસટી વિભાગ માટે ગૌરવ લઈ શકાય તેવું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

ટંકારા તાલુકાના છેવડાના ગજડી ગામથી મોરબી આવવા જવા માટે મુખ્યત્વે એક માત્ર મોરબી ગજડી રૂટની બસ વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓ માટે મુખ્ય આધાર છે અને આ રૂટના એસટી ડ્રાઇવર પણ એવા છે કે સમગ્ર રૂટના લોકો સાથે ઘર જેવો આત્મીયતાનો નાતો કેળવ્યો છે, જેમાં તાજેતરમાં તેમના સગા નાનાભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાના ચાલુ બસે સમાચાર મળતા ડેપોમાં જાણ કરી અડધે રસ્તે મુસાફરોને રઝડાવવાને બદલે કોઈને પણ જાણ કર્યા વગર શોક દુઃખને મનમાં જ દબાવી દઈ માત્ર ને માત્ર ગજડી ગામની અપડાઉન કરતી દિકરીઓ હેરાન ન થાય તે માટે બસને ગજડી સુધી લઈ ગયા અને ત્યાર બાદ પણ ગજડી ગામેથી મુસાફરો લઈ પોતાની ફરજ અને કર્તવ્ય બજાવી પોતાના માઠા પ્રસંગમાં ગયા હતા.

જો કે, આ ઘટનાની જાણ ગજડીના ગ્રામજનોને થતા ગ્રામજનોને પણ ખૂબ શોક લાગ્યો હતો અને ફરજનિષ્ઠ એસટી પાયલોટની ફરજનિષ્ઠાને બિરદાવવા ગજડી ગ્રામ પંચાયત દ્વારા મોરબી ડેપોમેનેજરને પત્ર પાઠવી આવા કર્મનિષ્ઠ કર્મચારીને સો – સો સલામ અદા કરી હતી.

- text