વાંકાનેરના મહિકા ગામેથી કરોડો રૂપિયાની રેતી ચોરીનો પર્દાફાશ કરતી તાલુકા પોલીસ

- text


વાંકાનેર તાલુકા પીએસઆઇ જી.આર. ગઢવીની કડક કાર્યવાહી : મોરબી જિલ્લા ખાણ-ખનીજની પોલ ખુલી : તાલુકા પી.એસ.આઈ મેદાને આવતા ખનીજ ચોરોમાં વ્યાપેલ ફફડાટ

વાંકાનેર : વાંકાનેર તાલુકો ખનીજ સમ્પદાથી ભરેલ હોય તેનો લાભ ખનીજ માફિયાઓ લઇ રહ્યા છે. વાંકાનેર તાલુકામાં ગમે તે ગામમાં જાઓ ખનીજચોરી ખુલ્લેઆમ ફૂલીફાલી છે આ ખનિજ ચોરી ડામવાની જેને સત્તા આપવામાં આવી છે તે ખાણ ખનીજ ખાતું ક્યારેક એકાદ-બે કેસ બતાવી પોતાની પીઠ થબથબાવી રહ્યું છે અને જાગૃત નાગરિકો ગમે એટલી ફરિયાદ કરે પણ ખનીજખાતામાં પ્રજાની વાત સાંભળનાર કોઈ નથી. ખનિજખાતાના છુપા આશીર્વાદથી ખનીજ માફિયાઓ બેફામ બની બેઠા છે. ત્યારે વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. ની કામગીરીથી ખનીજખાતાની મહેરબાનીથી ચાલતાં રેતીચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે અને ખનીજ ખાતુ શંકાના દાયરામાં આવી ગયેલ છે.

જાણવા મળ્યા મુજબ છેલ્લા ઘણાં સમયથી વાંકાનેર તાલુકા પોલીસને ફરિયાદ મળતી કે વાંકાનેરના મહિકા ગામે મોટા પ્રમાણમાં રેતીચોરી ચાલી રહી છે ત્યારે અવાર-નવાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવતી પરંતુ ખનીજ માફિયાઓને પોલીસ આવી રહ્યાની ગંધ આવી જતાં તેઓ સ્થળ પરથી નાસી જતાં અને ખનીજચોરી પકડાતી નહિં, ઘણી વખત તો તાલુકા પી.એસ.આઈ અને તેનો સ્ટાફ મોટરસાઇકલ અને પગપાળા પણ નદીમાં જતાં તેમ છતાં આ સાતીર ખનીજ માફિયા બચવાના રસ્તા ગોતી લેતા જેમાં ગઈકાલે વહેલી સવારે વાંકાનેર તાલુકા પીએસઆઇ અને તેના સ્ટાફ દ્વારા અચાનક મહિકા ગામની નદીના પટમાં જતાં ત્યાંથી બે ટ્રેકટર, એક ડમ્પર, એક લોડર અને રેતી ચારવાના નવ મોટા ચાયણા ઝડપી પાડેલ તેમજ સ્થળ પર રહેલ રેતીના જથ્થાને સિઝ કરેલ ઉપરાંત સ્થળ પર પોલીસને જોઇ રેતી ચોરી કરી રહેલ લોડરો ચાયણા મૂકી મુઢી વાળી ભાગી ગયા થોડીવાર માટે તો નદીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ વાહનો સીઝ કરી અહીંથી કેટલા પ્રમાણમાં રેતી ચોરી થઇ તેનો અંદાજ લગાવવા માટે ખાણ ખનીજને જાણ કરવામાં આવી છે અને આગામી સમયમાં નદીમાં ટોટલ કેટલા રૂપિયાની રેતી ચોરી કરવામાં આવી તેનો ચોક્કસ આંકડો કાઢવામાં આવશે, તે ઉપરાંત અહીંથી જે લોડર ભાગી ગયા છે તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે અને આ રેતી ચોરીમાં જે પણ લોકો સામેલ છે તેની તપાસ આરંભી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહીકા ગામે ચાલતી રેતીચોરી મામલે મોરબી ખાણ ખનીજ અધિકારીને ફરિયાદ કરવા છતાં તેમના દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવેલ છે અગાઉ પણ ખનીજ ખાતા દ્વારા મહિકામાં એક હિટાચી મશીન અને ડમ્પર ઝડપી પાડવામાં આવેલ ત્યારે પણ લાખો રૂપિયાની રેતી ચોરી કરેલ હોવા છતાં ફક્ત ૨૪૭ ટન રેતી ચોરીનો દંડ ફટકારી ખનીજ ખાતાની કાર્યવાહી શંકાસ્પદ રહેલ. વાંકાનેર તાલુકાની અઢળક ફરિયાદો હોવા છતાં ખનીજખાતુ કેમ કોઈ પગલાં નથી ભરી રહ્યું તે એક તપાસનો વિષય છે.

આ આધુનિક ખનીજ માફિયાઓ સોશિયલ મીડિયા થકી એટલા આધુનિક બની ગયા છે કે વાંકાનેર તાલુકાના ખનીજ માફિયાઓ દ્વારા whatsapp માં અલગ અલગ ગૃપ બનાવી સરકારી તંત્રની માહિતી જાહેર કરી રહ્યા છે. તેમના દ્વારા પોલીસ કે અન્ય સરકારી એજન્સીના અધિકારીઓની ખાનગી માહિતી મેળવી whatsapp ગ્રુપમાં શેર કરી રહ્યા છે અને અધિકારીઓ ખનીજચોરી ડામવા માટે બહાર આવે તો ગ્રુપમાં તેનો મેસેજ સેર કરી બધાને જાણ કરી આપે છે માટે આ ખનીજ ચોરી પકડવી મુશ્કેલ બની જાય છે જો મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ખનીજ માફિયાઓ ના મોબાઇલ ચેક કરવામાં આવે તો આવા અનેક ગૃપો પકડાસે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ ખનીજ ચોરી પકડી પાડવામાં વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. જી.આર. ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ સાવંત, જીતુભાઈ પટેલ, જીતેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી, મુકેશભાઈ જોગરાજીયા, જે. બી ઝાલા અને કિશનભાઈ વિજવાડીયાએ જહેમત ઉઠાવેલ.

- text

- text