મોરબી ફાયરિંગની ઘટનામાં મૃત્યુ પામનાર બાળકના મૃતદેહને પોલીસ મથકે લઇ જવાયા બાદ સ્વીકારાયો

- text


૪૮ કલાકમાં કસુરવાનો નહિ પકડાય તો ઉપવાસ આંદોલનની ચીમકી આપતા ચુવાળીયા કોળી જ્ઞાતિના આગેવાનો

મોરબી : મોરબીમાં ગઈકાલે કાલિકા પ્લોટમાં થયેલ અંધાધૂંધ ગોળીબારમાં નિર્દોષ બાળકની મોત નિપજતા આજે રાજકોટથી મૃતદેહ સાથે ચુવાળીયા કોળી સમાજના આગેવાનો નહેરુગેટ ચોક અને બાદમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને આક્રોશ વ્યક્ત કરી આરોપીઓ ન ઝડપાઇ ત્યાં સુધી મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા ઇનકાર કર્યો હતો જો કે, જ્ઞાતિ અગ્રણીઓ સાથે જિલ્લા પોલીસવડાએ બેઠક યોજી ન્યાયિક તપાસની ખાતરી આપતા અંતે બપોરે ત્રણ વાગ્યે બાળકનો મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ માટે લઈ જવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલિકા પ્લોટમાં ગઇકાલની ફાયરિંગની ઘટનામાં વિશાલ બાંભણીયા નામના ૧૩ વર્ષના બાળકને ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મોત નિપજતા આજે રાજકોટથી મૃતદેહને સીધો જ નહેરુગેટ ચોકમાં લાવી જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુંધી અંતિમ સંસ્કાર નહિ કરવાની ચુવાળીયા કોળી સમાજના આગેવાનોએ જાહેરાત કરી હતી.

વધુમાં મૃતક બાળકના પિતા પણ ન હોવાનું જણાવી જ્ઞાતિ અગ્રણીઓએ જણાવ્યું હતું કે વિધવા માતાના બે સંતાનો પૈકી વિશાલથી મોટો ભાઈ પણ હજુ નાનો છે ત્યારે આ હીંચકારી ઘટનામાં પુત્ર ગુમાવનાર માતાને સરકાર સહાય આપે અને હત્યારાઓ સામે કડક પગલાં ન ભરાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.

દરમિયાન નગરદરવાજા ચોકથી મૃતદેહ સાથે કોળી સમાજના આગેવાનો એ ડીવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં સમાજના પાંચ આગેવાનો સાથે જિલ્લા પોલીસવડાએ બેઠક યોજી હતી અને યોગ્ય તપાસની ખાતરી અપાતા સમાજના આગેવાનોની અપીલને માન આપી બાળકનો મૃતદેહ અંતિમવિધિ માટે સ્વીકારી લેવામાં આવ્યો હતો.

જો કે, ચુવાળીયા કોળી સમાજ દ્વારા ૪૮ કલાકમાં આરોપીઓ ન પકડાય તો એ ડિવિઝન પોલીસ મથકે ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

- text

મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

 

 

- text