મોરબીમાં રવિવારે ઓર્ગેનિક ખાદ્ય ચીજો, રોપાનું રાહતદરે વિતરણ

રાજકોટની નવરંગ નેચર કલબ અને મોરબીની મયુર નેચર ક્લબનું પ્રેરક આયોજન 

મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલા સરદાર બાગ પાસે રાજકોટની નવરંગ નેચર કલબ અને મોરબીની મયુર નેચર કલબ દ્વારા ઓર્ગેનિક ખાદ્ય ચીજો, રોપાઓ તેમજ અન્ય ચીજ વસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવનાર છે. આ વિતરણ આગામી તા. ૯ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ સુધી કરવામાં આવશે.

નવરંગ નેચર કલબ રાજકોટ અને મયુર નેચર કલબના સહિયારા પ્રયાસમાં એલોવેરા, લીંબુ, બદામના રોપા તેમજ કલમી અને દેશી કુળના રોપાઓ, પૂઠાના ચકલી ઘર, પ્લાસ્ટિકના પોર્ટેબલ ચબૂતરા, લીમડાના સાબુ, સિંધાલૂણ મીઠું, મીઠા આમળાની કેન્ડી, ફૂલછોડ, કઠોળ ફણગાવાના ડબ્બા, હરડે પાવડર, કાલા નમક, લીલા નાળિયેર, એલોવેરા જ્યૂસ- જેલ, અગરબત્તીઓ, મધ, હાથલા થોરમાંથી બનાવવામાં આવેલ સરબતનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત આમળા, પંચામૃત, ઠંડાઈ, ફુદીના, લેમન હર્બલ ટી, લીંબુ, ગુલાબ, કાચી કેરી, લીંબુ જીંજર સહિતના પાવડર તેમજ પાલક, કારેલા, મકાઈ અને ટોમેટા સુપના પેકેટ, ઓર્ગેનિક લસણ સહિતની ચીજ વસ્તુઓ રાહતભાવે આપવામાં આવશે તો આ આયોજનનો લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.