રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો લાભ આપવામાં માળીયા મામલતદાર નિરશ

NFSAની અરજી નિકાલ કરી ગરીબો ને લાભ આપવામાં મામલતદારના અખાડા : સોમવારે ભાજપ આવેદન અપાશે

માળીયા : મોરબી જિલ્લાના અત્યંત પછાત એવા માળીયા તાલુકામાં ગરીબોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હોવા છતાં માળીયા મામલતદાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની અમલવારી માટે NSFA અરજીઓનો નિકાલ ન કરવામાં આવતા અસંખ્ય ગરીબ કુટુંબો આ યોજનાના લાભથી વંચિત રહ્યા છે, મામલતદારના આ ગરીબ વિરોધી વલણનો વિરોધ કરવા સોમવારે ખુદ સતાધારી ભાજપના મહામંત્રી દ્વારા વિરોધ કાર્યક્રમ આપવામાં આવશે !

પ્રાપ્ત વિગતો મુજબ માળિયા મિયાણા મામલતદાર નિનામા દ્વારા NFSAની પેન્ડિંગ અરજીઓનો નિકાલના કરાતા રેશન કાર્ડ ધારકો ગરીબ પરિવારો વર્ષોથી આ યોજનાથી વંચિત રહી અન્ન વિહોણા થયા છે.

વધુમાં માળિયા મિયાણા મામલતદાર તથા અન્ય લાગતા વળગતા અધિકારીઓની આળસના કારણે ગરીબ પરિવાર અન્ન વિના રઝળતા થયા છે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩નો લાગુ પડયો તેમા અગ્રતા ધરાવતા ગરીબ પરિવારો ના સર્વે કરી ને યાદી તૈયાર કરવા માટે જણાવામાં આવેલ પરંતુ માળિયા મામલતદાર નિનામાને ગરીબ પરિવારોમાં રસ જ નથી એવું લાગી રહ્યું છે, જ્યારે ઉદ્યોગપતિયો અને પૈસાદાર લોકો એમના કામ ઉભા ઉભા કરાવી જતા હોય છે એવી પરિસ્થિતિથી હાલમાં માળિયા મામલતદાર કચેરીમાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે માળીયાના ગરીબ પરિવારો દ્વારા વારંવાર અરજીઓ કરવા માટે સતત ઓફિસોના ધક્કા ખાવા અને આખો દિવસ ઓફિસોમાં પડ્યું રહેવું પડે છે તેમ છતાંય નિરાશ થઈને સાંજે ઘરે પાછા ફરવું પડે છે, આમ છતાં પણ કોઈ નિકાલ આવેલ નથી નોંધનીય છે કે, અન્ન સલામતી કાયદો લાગુ થતા સરકારના પરિપત્ર મુજબ એક ટિમ ની રચના કરવા માં આવેલ હતી તેમાં મામલતદાર, નગર પાલિકા ચીફ ઓફિસર, અને પુરવઠા નાયબ મામાલતદારનો સમાવેશ કરવા માં આવેલ છે પરંતુ આ ત્રણેય અધિકારીઓ પોતાની જવાબદારીમાથી હાથ ઊંચા કરી દેતા પરીણામ સ્વરૂપ ગરીબ પરિવારોને ભોગવવુ પડ્યું છે.

આ સંજોગોમાં આશ્ચર્ય કહો કે શરમ કહો પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સતાધારી ભાજપ પક્ષના આગેવાન અને માળીયા શહેર ભાજપ મહામંત્રી, જિલ્લા આયોજન સમિતિના સભ્ય અને માળીયા નગર પાલિકાના કાઉન્સિલર આમીન એ.ભટ્ટી લડત માટે આગળ આવ્યા છે અને આગામી તા. ૧૦ ને સોમવારે ૧૨ કલાકે મામલતદાર માળિયા મિયાણાને આવેદન પત્ર આપી ગરીબો માટે સત્વરે આ યોજનાનો લાભ આપવા માંગણી ઉઠાવશે.