માળીયા ટ્રેકટરકાંડના ત્રણેય આરોપી ઝડપાયા

રેન્જ આઈજીના આદેશને પગલે માળીયા પોલીસે વાંઢ વિસ્તાર ખૂંદી ગુલાબડી વાંઢમાંથી ત્રણેયને દબોચ્યા

માળીયા : પાંચ દિવસ પૂર્વે માળીયામાં જંગલરાજ હોય તેવા સીન સપાટા કરી માછીમાર યુવાનને ટ્રેકટર સાથે બાંધી જંગલિયત આચરનાર ત્રણ ઇસમોને તાત્કાલિક શોધી કાઢવા રાજકોટ રેન્જ આઈજીએ કરેલા આદેશને પગલે માળીયા પોલીસે સમગ્ર વાંઢ વિસ્તાર ખૂંદી વળી આજે ગુલાબડી વાંઢ વિસ્તારમાંથી ત્રણેયને દબોચી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના નાગાવાળી વિસ્તારમાં ગત તા. ૨ ડિસેમ્બરના રોજ માછીમારી કરવા ગયેલા જુના અંજીયાસર ગામે રહેતા રફીક દોસમામદભાઈ ખોળ ઉ.૩૨ વાળાને આ વિસ્તારમાં માછીમારી નહિ કરવાનું જણાવી ડિઝલચોરીનું આળ લગાવી અલારખા હુસેનભાઈ સઘવાણી, રે.હંજીયાસર, સોકતઅલી અયુબભાઇ મોવર, રે.મોરબી તથા મકો કરીમભાઇ મોવર, રે. માળીયા મિયાણાવાળાએ ટ્રેકટર સાથે ઢોર માર મારી સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લેતા વાયરલ થયેલા આ વિડીયોથી હડકંપ મચી ગઇ હતી અને ખુદ રેન્જ આજી સંદીપકુમાર સિંહે આરોપીઓને તાત્કાલિક પકડવા આદેશ કર્યો હતો.

બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રેન્જ આઇજીએ તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા આદેશ કરતા માળીયા પોલીસે આરોપીઓ વાંઢ વિસ્તારમાં છુપાયેલ હોવાની બાતમીને પગલે ટીમો બનાવી સમગ્ર વાંઢ વિસ્તારને ખૂંદી નાખ્યો હતો અને આજે ગુલાબડી વાંઢ વિસ્તારમાંથી ત્રણેય શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.