આર્મીના પેરામોટરનું હળવદમાં આગમન થતા લોકોમાં કુતુહલ

ભુજથી સિકંદરા બાદ જઇ રહેલા પેરા મોટરે હળવદમાં કરતબ બતાવ્યા

હળવદ : ૩જી ડિસેમ્બરથી ભુજથી શરૂ થયેલ આર્મીના પેરામોટર અભિયાનમાં ગઈકાલે હળવદ આવી પહોંચ્યુ હતું અને આર્મીના જવાનોએ પેરામોટરના વિવિધ કરતબો દર્શાવતા હળવદના હરિકૃષ્ણધામ ખાતે લોકો મોટી સંખ્યામાં કુતુહલવશ કરતબો નિહાળ્યા હતા.

કચ્છ આર્મી દ્વારા ભુજથી સિકંરાબાદ સુધીનું પેરામોટર અભિયાન શરૂ કરાયું છે જે ૧૬૩૧ કિ.મી.નો પ્રવાસ ખેડી ૧૪ ડિસેમ્બરે મહારાષ્ટ્રના સિકંદરાબાદ પહોંચશે, દેશની સરહદની રક્ષા કરતી સુરક્ષા એજન્સીઓ સરહદનું રખોપું કરવા સાથે અનેક આયોજન હાથ ધરતી હોય છે. ત્યારે વધુ એક આવો જ આયોજન ભારતીય આર્મીએ ભુજથી મહારાષ્ટ્રના સિકંદરાબાદ સુધીની પેરામોટર અભિયાન અંતર્ગત સફર ખેડયું છે. આ અભિયાન ૩જી ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર સુધી એટલે કે, ૧૧ દિવસ ચાલશે. ત્યારે આજે ઇન્ડિયન આર્મીનું પેરામોટર અભિયાન ગઈકાલે હળવદના શ્રી હરિકૃષ્ણધામ ખાતે આવી પહોંચ્યું હતું જયાં મંદિરના પૂ.મંત્રપ્રકાશ દાસજી સ્વામી અને પૂ.વિશ્વવંદન દાસજી સ્વામી દ્વારા તેમનું ફુલહાર સાથે સ્વાગત કરાયું હતું આ તકે, આર્મીના જવાનોએ બાળકો સહિત લોકોને પેરામોટરનું કરતબ દેખાડ્યું હતું.

હળવદના રણજીતગઢ પાસે આવેલ શ્રી હરિકૃષ્ણધામના આંગણે ઇન્ડિયન આર્મીનું પેરામોટર ગ્રુપ આવી પહોંચ્યું હતું. જયાં શ્રી હરિકૃષ્ણધામના મહંત પૂ.સદ્‌ગુરૂ તપોમૂર્તિ શ્રી ભકિત હરિદાસજીના સાનિધ્યમાં પેરામોટર આર્મીના જવાનોનું ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આર્મીના જવાનોને દેશની રક્ષા કાજે બિરદાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે હળવદના રણજીતગઢ પ્રાથમિક શાળાના બાળકો, હળવદની કન્યા છાત્રાલયની દિકરીઓ તેમજ ધનાળા અને કેદારીયાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભુજથી સિકંરાબાદ સુધીની પેરામોટર સાહસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં આજે આર્મીના જવાનોએ શ્રી હરિકૃષ્ણધામ ખાતે પેરામોટરની ઉડાન ભરી તે દરમિયાન ઉપસ્થિત લોકો આશ્ચયચકિત થયા હતા. આ વેળાએ બહોળી સંખ્યામાં લોકોએ પેરામોટરની ઉડાનનો નજારો નિહાળ્યો હતો.