વાહ વાંકાનેર પોલીસ ! બિહારથી ભૂલા પડેલા મુકબધીર બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

- text


વાંકાનેર સીટી પીઆઇ બી.ટી. વાઢીયા, પીએસઆઇ મૂળુભા ધાધલ, રાજેન્દ્રસિંહ જાડેજા અને સમગ્ર પોલીસ સ્ટાફનો માનવીય અભિગમ

વાંકાનેર : હાલના સંજોગોમાં સમગ્ર રાજ્યમાં ગુનાખોરીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે જેના કારણે સામાન્ય પ્રજા પોલીસ પર ફિટકાર વરસાવી રહી છે ત્યારે સિક્કાની બીજી બાજું જોવા મળેલા પ્રેરણારૂપી કિસ્સાથી પોલીસ પ્રજાનો મિત્ર છે એ ફક્ત સ્લોગનમાં વાંચવા પૂરતું નહી પરંતુ હકીકતમાં પણ હોવાનું વાંકાનેર સીટી પોલીસે સાબિત કરી એક મહિનાથી બિહારથી વિખુટા પડી છેક વાંકાનેર આવી ગયેલા મુક બધીર બાળકનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાના દર્શન કરાવ્યા છે.

બનાવની વિગતવાર વાત કરીએ તો આજથી એક અઠવાડિયા પહેલા વાંકાનેર સીટી પીઆઇ બી.ટી.વાઢીયા, પીએસઆઇ એમ.જે. ધાંધલ, એએસઆઇ નરસીભાઇ પારધી અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે રંજનબેન મકવાણા સમાજ સુરક્ષા તથા વેદપ્રકાશ શર્મા આરપીએફ પીએસઆઇનો ફોન આવેલ કે એક મૂકબધીર ગાંડા-ઘેલા જેવો બાળક (ઉંમર આશરે ૧૭ વર્ષ) રેલ્વે સ્ટેશને મળી આવેલ છે. ત્યારબાદ ત્યાં જઈ આ બાળકની પુછપરછ કરતાં બાળક બોલી શકતો ન હોય અને અબુધ હોય તેવું જણાતાં તેને વાંકાનેર પોલીસ સ્ટેશને લાવી સતત બે દિવસ ઇશારાથી સમજાવતાં બે દિવસ બાદ બાળકે એક મોબાઈલ નંબર આપતા આ નંબર ઉપર વાત કરતા આ નંબર બાળકના પિતાનો હોવાનું બહાર આવ્યું હતું.

બાદમાં આ બાળકના પિતા કિશોરભાઈ પતવા રહે. સોનબરસારાજ જી. સારસા બિહાર વાળા હોવાનું જણાવેલ અને તેમનો પુત્ર કોઈને કહ્યા વગર છેલ્લા એક માસથી ઘરેથી નીકળી ગયેલ હોવાનું અને બોલી શકતો નથી તેમજ અભણ છે તેવી માહિતી તેમના પિતા પાસેથી મળેલ હતી. આ બાળકને તેમના પિતા કિશોરભાઈ રામચંદ્ર પતવા (વણઝારા) જેવો અપંગ છે અને ગરીબ છે બિહારથી બાળકને તેડવા આવતાં તેમને સોંપી આપેલ અને પોલીસ દ્વારા તેમની બિહાર સુધીની ટ્રેનની ટિકિટ પણ કરાવી આપેલ અને રસ્તામાં ખાવા-પીવાની સગવડ પણ કરી આપવામાં આવી હતી.

આ બાળકને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ગત તારીખ ૨૫/૧૧/૨૦૧૮ ના રોજ લઇ આપવામાં આવેલ અને ગઈકાલે તારીખ ૦૨/૧૨/૨૦૧૮ના રોજ તેમના પિતા બાળકને લેવા માટે આવેલ આમ છેલ્લા આઠ દિવસથી આ બાળક વાંકાનેર સીટી પોલીસ દ્વારા સાચવવામાં આવેલ અને આ આઠ દિવસ દરમિયાન વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ બાળકની પુરતી કાળજી રાખવામાં આવેલ તેમને ખાવા પીવા ઉપરાંત બે જોડી નવાં કપડાં પણ ખરીદી આપવામાં આવેલ અને પોલીસ સ્ટેશનના દરેક કર્મચારી આ બાળકને પ્રેમ અને હૂંફ આપેલ આજે તો એવું લાગે છે જાણે આ બાળક આ પોલીસ પરિવારનો એક સદસ્ય છે

- text

ખરેખર તો જ્યારે પણ આવો કોઈ બનાવ બને ત્યારે પોલીસ એકાદ દિવસ તપાસ કર્યા બાદ બાળકોને સમાજ કલ્યાણ શાખા ને હવાલે કરી આપતાં હોય છે પરંતુ વાંકાનેર સીટી પીએસઆઇ મૂળુભા ધાંધલને આ બાળકને તેમના પરિવાર સાથે મિલન કરાવવાની નેમ લઇ તેમના પરિવારની શોધખોળ આદરેલ અને અનેક પ્રયાસો બાદ આ બાળક પાસેથી તેમના પરિવારજનો મોબાઈલ નંબર મેળવવામાં સફળ રહ્યા. આ પહેલાં પણ વર્ષ ૨૦૧૬માં પીએસઆઈ મૂળુભા ધાંધલ રાજકોટ ખાતે એ ડિવિઝનમાં ફરજ બજાવતાં હતાં ત્યારે પણ છતીસગઢ થી બે માસથી વિખુટી પડેલી અબુધ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાનું ઉમદા કાર્ય કરેલ.

આમ તો હર હંમેશ પોલીસની કામગીરીની સતત ટીકાઓ થતી રહે છે પોલીસ કઠોર છે, પોલીસને દિલ નથી, પોલીસ કામગીરી નથી કરી રહી, એ બધા પ્રશ્નો સાઈડ પર રહી ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ આજે ફક્ત સ્લોગનમાં નહીં પરંતુ હકીકતમાં પ્રેરણાદાયી ઉદાહરણ તરીકે જોવા મળેલ છે ત્યારે વાંકાનેર સીટી પોલીસની કામગીરીને બિરદાવવી જ રહી.

આ બાળક અને તેના પિતાના મિલન સમયે વાતાવરણ એટલું ભાવુક બની ગયેલ કે પુત્ર અને પિતાની આંખમાં આંસુ અને હરખ હતાં, તો સાથોસાથ પોલીસ સ્ટાફના આંખમાં પણ પ્રેમ અને ઉમદા કાર્ય કરવાની ખુશી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

- text