ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા જ કેનાલ છલોછલ

- text


માળિયાના ખાખરેચીથી પરત ગયેલું પાણી હિલોળા લેતું થયું : આજે ખીરઈ પહોંચશે

મોરબી : મોરબી માળીયા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના નીરના નામે લોલીપપ મળ્યા બાદ ગઈકાલે માળિયાના ખેડૂત દ્વારા બે દિવસમાં જો રવિ સીઝન માટે પાણી નહિ પહોંચાડવામાં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા જ જાણે જાદુ થયો હોય તેમ કેનાલમાં પાણીનો ફ્લો વધારવામાં આવતા આજે કેનાલ છલોછલ જઈ રહી છે અને શનિવાર સાંજ સુધીમાં કેનાલના પાણી માળિયાના ખીરઈ સુધી પહોંચવાની શક્યતા જોવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સરકાર દ્વારા જે જે ખેડૂતો સિંચાઈ માટેના ફોર્મ ભરેલા હોય તેમને 90 દિવસ પાણી પહોંચાડવા મસ મોટી જાહેરાત કર્યા બાદ મોરબી અને માળીયા પંથકના ખેડૂતો દ્વારા રવી સીઝનમાં સરું પાણી મળવાની આશાએ વાવેતર કરી નાખ્યા છે અને અનેક ખેડૂતો પાણી મળવાની આશાએ વાવેતર કરવાની તૈયારીમાં છે પરંતુ ઢાંકી પમ્પીંગ સ્ટેશનેથી મોરબી જિલ્લાના ખેડૂતોને અન્યાય થાય તેમ ધીમા ફોર્સથી પાણી છોડવાની નીતિ અપનાવવાની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં થતી પાણી ચોરી ડામવા સરકાર અસરકારક રીતે પગલાં ન ભરી રહી હોવાથી મોરબી માળીયા બ્રાન્ચ કેનાલના ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે, બીજી તરફ નર્મદા યોજનાના સિંચાઈ માટેના પાણી ન મળતા ગઈકાલે માળીયા તાલુકાના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

- text

દરમિયાન નર્મદા કેનાલ મામલે માળીયા ખેડૂત હિત રક્ષક સમિતિના અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આંદોલન કરવા છતાં ખેડૂતોની માંગ પ્રત્યે ધ્યાન નહીં આપનાર સરકાર ખેડૂતની આત્મહત્યાની ચીમકીથી હરકતમાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે કારણ કે ગઈકાલે ખાખરેચી સુધી પહોચેલું પાણી પરત કુમ્ભારીયા જતું રહ્યું હતું પણ આત્મવિલોપનની ચીમકી બાદ પાણીનો પ્રવાહ વધારવામાં આવતા હાલમાં કેનાલ હિલોળા લઈ રહી છે અને જો અમને આમ ચાલ્યું તો આવતીકાલે સાંજ સુધીમાં પાણી ખીરઇ ગામ સુધી પહોંચી શકે તેમ હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- text