સારું લ્યો સાહેબ અમે રાત્રે કેનાલમાંથી પાણી નહીં ઉપાડી !!!

હળવદના ચાર ગામના ખેડૂતોને નર્મદા ઓથોરિટી અને પોલીસ દ્વારા સમજાવટ

મોરબી : મોરબી જિલ્લામાં નર્મદા કેનાલના પાણી આગળ વધતા ન હોય હવે નર્મદા ઓથોરિટી અને પોલીસટીમ દ્વારા ખેડૂતોને પાણીનો બગાડ અટકાવવા સમજાવવામાં આવી રહ્યા છે જેમાં આજે હળવદ તાલુકાના ચાર ગામના ખેડૂતોને રાત્રી દરમિયાન પાણી ન ઉપાડવા સમજાવતા ખેડૂતો સહમત થયા હતા.

આજરોજ હળવદ તાલુકાના ટીકર, નવા ઘાટીલા, મિયાણી અને માનગઢ ગામના ખેડૂતો સાથે હળવદ પીએસઆઇ પનારા અને નર્મદા ઓથોરિટીના અધિકારીઓ તથા સરપંચોએ ચાય પે ચર્ચા કરી દિવસ દરમિયાન પાણી ઉપાડી બાદમાં રાત્રીના પાણી ન ઉપાડવા સમજુત કરવામાં આવ્યા હતા.

સામાપક્ષે ખેડૂતોએ પણ અધિકારીઓની ટીમને કહ્યું હતું કે સાહેબ કેમેય કરીને નર્મદા કેનાલમાં પાણી આગળ વધતું હોય તો અમે રાત્રીના પાણી નહીં ઉપાડીએ, આમ, અધિકારીઓએ ખેડૂતોને સમજાવતા હવે નર્મદા કેનાલનો પાણી ન પહોંચવાનો પ્રશ્ન ઉકેલાય તેવા સંકેતો મળી રહ્યા છે.