મોરબી સિરામિક એસોશિએશનની મુખ્ય ત્રણ માંગ સ્વીકારતું ગુજરાત ગેસ

વિલંબિત ચુકવણી ચાર્જમાં રાહત : પ્લાન્ડ મેન્ટેનન્સની નોટિસ નો સમયગાળો સાત દિવસ કરાયો

મોરબી : ગુજરાત ગેસ કંપનીના કમાઉ દીકરા જેવા મોરબીના સિરામિક ઉદ્યોગને સતત થઈ રહેલા અન્યાય સામે એસોશિએશન દ્વારા ઉઠવાયેલ અવાજનું પરિણામ આવ્યું છે અને ગુજરાત ગેસ દ્વારા ઉદ્યોગકારોની મુખ્ય ત્રણ માંગ સ્વીકારી લીધી છે અને હજુ એમજીઓનો મુદ્દો પણ આવનાર દિવસમાં ઉકેલાય જાય તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે.

મોરબી સીરામીકસ એસોસિએશન પ્રમુખ મુકેશ ઉઘરેજા, કિરીટભાઈ પટેલ, કિશોરભાઈ ભાલોડિયા અને નિલેશભાઈ જેતપરિયાના જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ સેલ્સ એગ્રીમેન્ટ માં રાહતો આપવા નિર્ણય કર્યો છે એસોશિએશન દ્વારા ગુજરાત ગેસ લિમિટેડને તારીખ ૮ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પાઠવેલ પત્ર પાઠવી ઉદ્યોગોને પડતી મુશ્કેલી અંગે રજુઆત કરતા રજૂઆતોના અનુસંધાને ગુજરાત ગેસ લિમિટેડ ગેસ સેલ્સ એગ્રીમેન્ટમાં નીચે મુજબની રાહતો આપવાનું મંજુર કરેલ છે.

જેમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા Excess ગેસ ની ગણતરી જે હાલમાં દૈનિક ધોરણે થાય છે તેને બદલે માસિક ધોરણે કરવામાં આવશે અને પ્લાન્ડ મેન્ટેનન્સની નોટિસનો સમયગાળો ત્રીસ દિવસથી ઘટાડી ને સાત દિવસનો કરવામાં આવશે.

આ ઉપરાંત વિલંબિત ચુકવણી ઉપર લાગતા વ્યાજનો દર ૨૪% થી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવશે, ઉપરોક્ત રાહતો માટે ગુજરાત ગેસ લિમિટેડ દરેક ગ્રાહકોને અમેન્ડમેન્ટ એનીમેન્ટ મોકલશે અને તે અમેન્ડમેન્ટ એગ્રીમેન્ટ સહી થયા બાદ તારીખ ૧ નવેમ્બરથી ૨૦૧૮થી અમલમાં આવશે.

જો કે, કોઈપણ અમેન્ડમેન્ટ એગ્રીમેન્ટમાં સહી નહિ કરે તો તેને આ લાભ મળશે નહિ જેની નોંધ લેવા કંપનીએ સ્પષ્ટતા કરી છે અને આ અંગેની ડેબિટ ક્રેડિટ ડિસેમ્બર મહિનામાં એડજસ્ટ થશે જેની પણ સ્પષ્ટતા કરી ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા રજુ કરેલ મુદાઓના સત્વરે નિકાલ માટે પ્રયત્નશીલ હોવાનું અંતમાં જણાવ્યું હતું.