મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર જીવલેણ હુમલો

મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગઈકાલે જૂની પોલીસ ફરિયાદ કરવા અંગેનો ખાર રાખી યુવાનને આંતરી પાંચ શખ્સોએ ખૂની હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ મસ્જિદ વાળી શેરીમાં રહેતા અશરફ હુસેનભાઈ મતવા ઉ.૨૪ નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના મિત્રે આરોપી એઝાંઝ આમદ ચાનિયા સામે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી એ બાબત નું મનદુઃખ રાખી ગઈકાલે રાત્રીના અગીયારેક વાગ્યે પોતાના એકટીવા લઈને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે કાલિકા પ્લોટ નજીક આરોપી એઝાંઝ આમદ ચાનિયા, અશરફ કરીમ મિયાણા, રમેશ લાભુ ભીલ, મકસુંદ મીરે એકસંપ કરી આંતરીને તેના શરીરે હાથપગ તથા માથાના ભાગે લોખંડનાં પાઈપ તથા તલવાર અને લાકડાથી જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાંનને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં આ યુવાને પાંચ શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની ધારા ૩૦૭ સહિતની ભારે કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.