માળિયાના સરવડ ગામેથી તસ્કર ફળિયામાંથી ગાડી હંકારી ગયા

શિયાળાના પ્રારંભે જ માળીયા તાલુકામાં તસ્કરોના ધામાં

માળીયા : માળિયા મીયાણા તાલુકો જાણે રેઢો પડ પડ્યો હોય તેમ ચોરીના નાના મોટા બનાવો બની રહ્યા છે જેમાં છેલ્લા બે દિવસમાં મોટાભેલા અને સરવડ ગામે બંધ મકાનના તાળા તોડી નાની મોટી ઘરફોડ ચોરી થઈ છે અને આશ્ચર્યજનક રીતે તસ્કરો ફળિયામાં પાર્ક કરેલી અલ્ટો ગાડીને હંકારી જતા ભારે ચકચાર મચી જવા પામી છે.

માળિયા તાલુકાના સરવડ ગામના રહેવાસી વિપુલભાઈ લવજીભાઈ લોરિયાએ તેના ઘર પાસે ફળિયામાં પાર્ક કરેલી કાર નં જીજે ૩૬ એફ ૩૧૬૮ કીમત રૂ. ૧.૫૦ લાખ રાત્રીના સમયે અજાણ્યો ઇસમ હંકારી ગયો હતો અને કારમાં રાખેલી ઘડિયાળ અને પાકીટમાં રૂ. ૧૫૦૦ રોકડ સહીત કુલ ૧.૫૬ લાખની મત્તાની ચોરી થયાની ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્રારા ગામડાની સુરક્ષા માટે મોટાભાગના ગામડાઓમાં જીઆરડી જવાનો મુકવામાં આવ્યા છે અને પોલીસ દ્રારા પેટ્રોલીંગના પોકળ દાવાઓ વચ્ચે વારંવાર બનતી આવી ચોરીની ઘટનાઓથી ગ્રામ્યવાસીઓ પોલીસની કામગીરીથી નિરાશા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. આવા બનાવમાં છેલ્લા એકાદ વર્ષમાં પીપળીયા ચાર રસ્તા પર આવેલ પટેલ ફરસાણ નામની દુકાનને ત્રણથી વધુ વખત તસ્કરોએ નિશાન બનાવી હતી જયારે ખાનગી હોસ્પિટલ તથા જવેલર્સની દુકાનને પણ બેથી વધુ વખત નિશાન બનાવેલ જયારે આજુબાજુના ગામડાઓમાં ઘણા મકાનો મંદિર અને દરગાહને નિશાન બનાવી ઘરફોડ ચોરોને પોલીસની મીઠી નજર તળે જાણે છુટો દોર મળી રહ્યો હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યુ છે અને માળિયા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે.