વોટ્સએપ ફેસબુકના જમાનામાં હળવદમાં ૧પ દિવસે પણ ટપાલ મળતી નથી !

પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘટ : ૬૦ હજારની વસતી વચ્ચે માત્ર એક જ પોસ્ટમેન

હળવદ : હાલમાં કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી સરકારી સેવાઓને સરળ બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ પોસ્ટ ઓફિસમાં ટપાલોનો ઢગલો થતો હોવા છતાં કોઈ અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી તેમજ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજુઆતો કરવા છતાંય નગરજનોને ટપાલો મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ઇન્ટરનેટ વોટ્સએપના જમાનામાં લોકોને ઝડપી સેવાને બદલે ૧પ દિવસે પણ ટપાલ મળતી ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

હળવદ શહેરની પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાય સમયથી ટપાલોનો ખડકલો થવા છતાં કોઈ અધિકારી કે પોસ્ટ માસ્તરને જાણે પ્રજાની ચિંતા જ ન હોય તેમ લાલીયાવાડી ચલાવતા હોવાનું સૂર હળવદ શહેરના નગરજનોમાં ઉઠવા પામ્યો છે. એટલું જ નહીં દિવાળી જેવા તહેવાર વિત્યાને આજે ૧પ દિવસ થયા છતાં પણ નગરજનોની અગત્યની ટપાલો તેમજ નવા વર્ષના પચાંગ મળ્યા ન હોવાની ફરિયાદો નગરજનોમાં ઉઠી છે. ત્યારે હળવદ શહેરમાં ટપાલોનું વિતરણ કરતા માત્ર એક ટપાલી હોવાથી શહેરીજનોની જરૂરી ટપાલો સમયસર ન મળતી હોવાથી બુમરાડો ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોસ્ટ ઓફિસની આવી જ લાલીયાવાડી ચાલતી રહેશે તો શહેરીજનોની સમસ્યામાં વધારો થાય તો નવાઈ નહીં તેવી લોકમુખે ચર્ચાઓ જાગી છે. તો બીજી તરફ કુરિયર સર્વિસનો ધંધો વધુ સબળ થશે અને સરકારી યોજનાના તાયફાઓ માત્ર પોકળ જ રહેશે તેવા અનેક સવાલો વચ્ચે જાવાનું રહેશે કે શું હળવદ પોસ્ટ ઓફીસ દ્વારા શહેરીજનો માટે ટપાલ વિતરણમાં કોઈ સુધારો થશે કે નહીં?

આ અંગે હળવદ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર કૃષ્ણકાંત રાણાને પુછતા તેઓએ ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે, છ મહિના અગાઉ ત્રણ ટપાલી (પોસ્ટમેન) હતા જેમાંથી બે નિવૃત થઈ જતા હાલ એક જ પોસ્ટમેન ફરજ પર છે અને તેના દ્વારા ટપાલોનું વિતરણ કાર્યરત છે. વધુમાં ઉમેર્યું હતું કે, હળવદ પોસ્ટની શાખામાં ટપાલીની જગ્યાઓ ખાલી હોવાનું ઉપરી કચેરીને લેખિત જાણ કરાઈ છે.