મોરબીના હરિપર કેરાળા નજીક નર્મદા કેનાલમાં ભંગાણ : ૧૦ લાખ લીટર પાણીનો વેડફાટ

- text


રીપેરીંગ માટે બે દિવસ કેનાલ બંધ કરવી પડશે : અડધો મીટર પહોળી કેનાલમાં મશીનરીથી ગાબડું પડાતા ઉદ્યોગો ઉપર શંકા : ચકમપરમાં પણ એસ્કેપ તોડાયો : પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબી : એક તરફ રવિ સીઝનમાં વાવેતર માટે ખેડૂતો પાણી માટે ટળવળી રહ્યા છે ત્યારે બીજી તરફ મોરબીના હરિપર કેરાળા નજીક મજબૂત નર્મદા કેનાલના સાયફનમાં ગાબડું પાડી દેવાતા દસ લાખ લીટર જેટલો પાણીનો જથ્થો વેડફાઈ ગયો હતો, જો કે કેનાલમાં ગાબડું પાડવામાં આજુબાજુના ઉદ્યોગો ઉપર શંકા વ્યક્ત કરી સિંચાઈ વિભાગ દ્વારા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે નર્મદા બ્રાન્ચ કેનાલનું પાણી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પહોંચતા જ હરિપર કેરાળા નજીક કેનાલનું મજબૂત અને અડધો મીટર જાડાઈનું સાયફન તોડી નંખાતા અંદાજે દસ લાખ લીટર પાણી વેડફાઈ ગયું હતું જો કે ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ દ્વારા તુરત જ ઉપરનો ગેટ બંધ કરી યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

- text

બીજી તરફ નર્મદા ની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં અડધો મિટર જાડાઈ ધરાવતું સાયફન તોડી નાખવાની આ ઘટનામાં હરિપર કેરાળા આજુબાજુ આવેલા ઉદ્યોગો ઉપર શંકા સેવાઈ રહી છે કારણ કે આટલું મજબૂત આરસીસી તોડવા બ્રેકર સહિતના સાધનોનો ઉપયોગ થયાનું બહાર આવ્યું છે.

નર્મદા કેનાલમાં ભંગાણ મુદ્દે સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઈજનેર વાછાણીએ જણાવ્યું હતું કે હરિપર કેરળા ઉપરાંત ચકમપર નજીક પણ તળાવમાં પાણી ભરવા એસ્કેપ તોડી નાખવામાં આવતા તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવ્યું છે અને હરિપરમાં પણ યુદ્ધના ધોરણે કેનાલ રીપેર કરી નાખવામાં આવી છે. જો કે કેનાલમાં ભંગાણ થતા હવે મોરબી પંથકના ખેડૂતોને બે દિવસ પાણી મોડું મળશે.

બીજી તરફ કેનાલમાં ભંગાણ મામલે સિંચાઈ વિભાગ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું સતાવાર સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

- text