હદ છે ! વાંકાનેરમાં ગરીબ દર્દીને સ્ટ્રેચર ઉપર રાજકોટ લઈ જવા મજબૂરી

- text


વાંકાનેરમાં સરકારી દવાખાને એમ્બ્યુલન્સના ધાંધિયામાં : રસ્તા પર સ્ટ્રેચરમાં દર્દીને લઇ જતા જોઈ ઇકો ચાલકની માનવતા, મફતમાં દર્દીને રાજકોટ મૂકવા ગયા

વાંકાનેર : દેશ દુનિયામાં ગુજરાત મોડેલની વાહ વાહી લૂંટતા નેતાઓની નબળાઈના કારણે વાંકાનેર સરકારી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાની ચકડોળે ચડેલ છે જેમાં આજે અધિક્ષકની લાપરવાહ નીતિને પાપે ગરીબ દર્દીને એમ્બ્યુલન્સને બદલે સ્ટ્રેચર ઉપર રાજકોટ લઈ જવા પડ્યા હતા જો કે બાદમાં રોડ ઉપર એકો ચાલકે માનવતા દાખવી આ ગરીબ દર્દીને વિનામૂલ્યે રાજકોટ પહોંચાડ્યા હતા.

આજની ચોંકાવનારી વાત કરીએ તો આજે સવારે વાંકાનેર નેશનલ હાઈવે પર નવાપરા પુલ પાસે એક રિક્ષા પલટી મારી ગઈ અને તેમાં બેઠેલ રમેશ કાનજી સારલા રહે.નવાપરા અને મહેશ જાંબુજી કોળી રહે. નવાપરા વાળાને ઇજા થતાં સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં રમેશ કાનજીને પગના ભાગમાં ફેક્ચર હોય અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવાની તાત્કાલિક જરૂરિયાત હોય પરંતુ સરકારી દવાખાને એમ્યુલન્સ હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવર હાજર ન હોય રાજકોટ રિફર કરવાં માટે દર્દીના સગા મુસીબતમાં મુકાઈ ગયેલ અને ખાનગી એમ્બ્યુલન્સના પૈસા સાથે ન હોવાથી સ્ટ્રેચર પર દર્દીને લઇ દવાખાનાની બહાર આવેલ જ્યાં રોડ પર દર્દીને સ્ટ્રેચર પર લઇ જતાં જોઈ એક ઈકો ચાલકને આ દર્દી પર દયા આવતાં અને માનવતાના ધોરણે પોતાના વાહનમાં ફ્રીમાં દર્દીને રાજકોટ લઈ ગયેલ.

- text

આ અગાઉ પણ ઘણી વખત દર્દીઓને રાજકોટ રીફર માટે સરકારી હોસ્પિટલ અધિક્ષક સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સની જગ્યાએ ૧૦૮ દ્વારા દર્દીઓને રાજકોટ રીફર કરે છે તે સમય દરમિયાન વાંકાનેરમાં ઇમર્જન્સી માટે ૧૦૮ સેવા ઉપલબ્ધ ન હોય ઇમરજન્સી માટે થાન, ચોટીલા કે મોરબીની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા આપે છે પરંતુ મોરબીથી કે થાનથી ૧૦૮ ને વાંકાનેર આવતા વાર લાગે માટે ક્યારેક માનવ જિંદગી જોખમમાં મુકાઈ જાય છે.

આ એમ્બ્યુલન્સ બાબતની અને હોસ્પિટલની અન્ય સુવિધા બાબતની વાંકાનેરના સામાજિક અગ્રણીઓ અધિક્ષકને ફરિયાદ કરવા જાય તો અધિક્ષક ફરિયાદ સાંભળવાને બદલે રજૂઆતકર્તા ધાક ધમકી આપે છે તેમ કહીં પોલીસ ફરિયાદ કરવાની બિક બતાડી પોતાની લાપરવાહી ને ઢાંકપિછોડો કરી રહ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.

- text