ટંકારાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં સાંસદની ભલામણ કોરાણે

- text


હું અત્યારે જસદણ ચૂંટણીના કામમાં છું, ખેડૂતો માટે પાણી છૂટે તેવા પ્રયત્નો ચાલુ છે : મોહનભાઇ

૨૨ – ૨૨ વર્ષના રાજકારણમાં ભાજપના નેતાને ભાજપ સરકારને પ્રજા માટે પત્ર લખવા પડે તે કમનસીબી : ધારાસભ્ય કગથરા

ટંકારા : ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, ખેડૂતોને મચ્છુ યોજનામાં નર્મદાના નીર આપવા અને બે એકર વાવેતર માટે સિંચાઈ સુવિધા આપવાની સાંસદસભ્ય મોહનભાઇ કુંડરિયાની રજુઆત ગુજરાત સરકારમાં અભેરાઈએ ચડાવી દેવામાં આવી હોવાના ઘાટ વચ્ચે સાંસદ હાલમાં જસદણ ચૂંટણીમાં વ્યસ્ત બનતા ટંકારાની ગ્રામ્યપ્રજા ચિંતિત બની છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા અપૂરતો વરસાદ છતાં ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરતા ટંકારા પડધરી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ગુજરાત સરકારને પત્ર પાઠવી ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, ખેડૂતોને મચ્છુ યોજનામાં નર્મદાના નીર આપવા અને બે એકર વાવેતર માટે સિંચાઈ સુવિધા આપવા માંગ કરી લેખિત રજુઆત કરી હતી.

- text

બીજી તરફ ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ગુજરાતની ભાજપ સરકારને રજુઆત કર્યાને એક મહિનો વીતવા છતાં હજુ સુધી કોઈ પરિણામ ન મળતા રવિ સીઝનમાં વાવેતર કરવા અધિરા બનેલા ખેડૂતોમાં નિરાશા ફરી વળી છે, આ મામલે સાંસદ મોહનભાઇ કુંડારીયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, હું પાણી છોડાવવા વાળો આગેવાન છું અને ખેડૂતો માટે પાણી છૂટે તે માટે પ્રયત્નશીલ છું, હાલમાં જસદણ વિસ્તારની ચૂંટણીમાં વ્યસ્ત છું અને સરકાર નિર્ણય લે ત્યારે મતદારોને હું જાણ કરી દઈશ તેવો જવાબ આપ્યો હતો.

સમાપક્ષે કોંગ્રેસના ધારાસભ્ય કગથરાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં ચાર ચાર વખત ધારાસભ્ય, મંત્રી અને હવે સાંસદ બન્યા પછી પણ ૨૫ વર્ષના રાજકારણના જાહેર જીવનમાં સાંસદની રજુઆત અને લાગણી સરકાર દ્વારા સાંભળવામાં ન આવતી હોય તો હવે લોકોને સમજવું જોઈએ.

આમ, ટંકારાના પીવાના પાણી અને સિંચાઈના પાણી તેમજ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મામલે રાજ્ય સરકારે ભાજપ સાંસદની રજુઆત પણ ધ્યાને ન લેતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

- text