મોરબી : નર્મદાના સિંચાઈના પાણી મુદ્દે ભાજપ સરકાર સામે બાયો ચડાવતું ભાજપ

- text


પ્રભારી મંત્રી અને કલેકટર રજૂઆતો ટલ્લે ચડાવતા હોવાનો આરોપ : હળવદ તાલુકા પંચાયતના પ્રમુખની આગેવાનીમાં કલેકટરને રજુઆત

મોરબી : નર્મદા કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવા મુદ્દે હવે ભાજપ સરકાર સામે ખુદ ભાજપના જ આગેવાનો ખૂલ્લીને બહાર આવ્યા છે. મોરબી, માળીયા અને હળવદ બ્રાન્ચ કેનાલમાં હજુ સુધી પાણી ન પહોંચતા ગઈકાલે હળવદ તાલુકા પંચાયત પ્રમુખની આગેવાનીમાં જિલ્લા કલેકટરને ફરિયાદ કરવા આવેલા આગેવાનોએ નર્મદા કેનાલમાં બેફામ પાણી ચોરી થતા પાણી મોરબી જિલ્લામાં પહોંચતું ન હોય ખેડૂતોને મારવા મજબૂર થવું પડે તેવી સ્થિતિ નિર્માણ થયાનું જણાવ્યું હતું.

મોરબી જિલ્લામાં બ્રાન્ચ કેનાલ મારફતે મોરબી તથા હળવદના ખેડુતોને નર્મદાનુ પાણી આપવાની માંગ સાથે તાલુકા પંચાયત પ્રમુખ સહિત જુદી જુદી ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા મોરબી કલેકટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રભારી મંત્રી અને કલેકટરને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી સાથેજ ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો દસ દિવસમાં હળવદ પંથકના ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે તો ખેડુતી માટે રવિ સિઝનનું મોટાભાગનું વાવેતર નષ્ટ થઈ જશે અને ખેડૂતોને મરવાનો વારો આવશે.

- text

વધુમાં હળવદ પંથકમાં ઓણસાલ નહિવત વરસાદને કારણે પંથકના ખેડૂતોની માથે ચિંતા ના વાદળો ઘેરાયા છે ઓછામાં પૂરું નર્મદાનું પાણી પણ અહીં ન પહોચતુ હોવાથી તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ સરંભડા, સમલી, ઘુંટુ, જુનાદેવડીયા ,ઈશ્વરનગર સહિતની ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા મોરબી કલેકટર કચેરી ખાતે ધસી જઈ પંથકના ખેડૂતોને નર્મદાનું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ જિલ્લા કલેકટર વિડીયો કોંફરન્સમાં વ્યસ્ત હોય રજુઆતકર્તાઓને લાંબો ઇન્તજાર કરાવી મળવાનો સમય આપ્યો હતો.

હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ઉમેર્યું હતું કે પોતે ભાજપના ચૂંટાયેલા હોદ્દેદાર હોવા છતાં ભાજપ સરકાર રજૂઆતો ધ્યાને લેતી નથી, વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નર્મદા કેનાલમાં ઉપરવાસ મોટાપાયે પાણીચોરી થઈ રહી છે અને ધાંગધ્રા અને લખતરમાં નર્મદાનું પાણી વેચાઈ રહ્યું છે અને અહીં હળવદ મા પાણી માટે ખેડૂતો વલખાં મારી રહ્યા છે.

તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રભારી અને કલેક્ટરને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ રજૂઆતો સાંભળવામા આવતી નથી આ સંજોગોમાં જો દશેક દિવસમાં પાણી નહિ પહોંચે તો ખરીફ સીઝનમાં પાયમાલ થયેલા ખેડૂતોને રવિ સીઝનમાં પણ પાયમાલ થવુ પડશે અને હવે પાણી મેળવવા ખેડૂતો આરપારની લડાઈ લડવાના મૂડમાં હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

- text