ફિલ્મ રિવ્યુ : ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ : નામ બડે ઔર…

- text


યશરાજ ફિલ્મસની બિગ બેનર કહેવાતી અને જેની ખૂબ જ રાહ જોવાઇ રહી હતી, એવી ઠગ્સ ઑફ હિંદોસ્તાન રિલીઝ થઈ ચુકી છે. ફેસ્ટિવલ અને વીકેન્ડ બંનેનો ભરપૂર લાભ લઈ રહી છે, મોરબીમાં તો ઓલમોસ્ટ દરેક શૉ હાઉસફુલ થવામાં છે.

ફિલ્મ ઇ.સ.1795 આસપાસનો સમય અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પગપસારોથી શરૂ થાય છે. રોનકપુર રાજ્યને શામ,દામ દંડ,ભેદથી અંગ્રેજો કબ્જે કરીને તેના રાજાને મારી નાખે છે. રાજાની રાજકુંવરી ઝફીરા બચી જાય છે, જે બદલો લેવા રાજના વફાદાર સાથી ખુદાબક્ષ સાથે આખી ફિલ્મમાં અંગ્રેજો સામે ઝઝૂમે છે. ઠગ ફિરંગી મલ્લાહ પણ તેઓની સાથે ખરેખર જોડાય છે કે અંગ્રેજોની જાસૂસી કરવા જોડાય છે, એ તો ફિલ્મની સેન્ટ્રલ સ્ટોરીલાઈન છે.

મિ.પરફેકશનિસ્ટ આમીર ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એક મૂવીમાં સાથે હોય, એવું પહેલીવાર બન્યું છે. સિલેક્ટેડ ફિલ્મો કરનાર આમીર ખાનનો આ ફિલ્મમાં ફિરંગી મલ્લાહનો રોલ, હોલીવુડ કેરેક્ટર જેક સ્પેરોથી પ્રભાવિત હોય એવું લાગે છે. આમીરના રોલના ગ્રે શેડ્સ સાથે વ્હાઇટ શેડ્સ પણ ફિલ્મમાં છે. છોકરીઓના હાથે માર ખાતો, દિલફેંક આશિક ફિરંગીના રોલમાં આમીરે દિલ રેડ્યું છે. આમીરની એન્ટરી સમયે એનું પર્ફોર્મન્સ પૈસા વસુલ સમજો. ટિકટોક એપમાં આવે છે એવી રિવર્સ ઈફેક્ટ મોટા પડદા પર જોવી ગમી. કેટલાક નોર્મલ ડાયલોગ્સને પણ આમીરે અદ્ભૂત રીતે એકપ્રેસ કર્યા છે તો ફિલ્મની ડિમાન્ડ મુજબ આંખોથી પણ અભિનય કર્યો છે! ઠગનોય ઠગ એટલે ફિરંગી મલ્લાહ.

તો ખુદાબક્ષના રોલમાં અમિતાભ બચ્ચન ખૂબ જ પ્રભાવશાળી છે. શહેનશાહ ફિલ્મની જેમ આ ફિલ્મમાં અમિતાભ બખ્તર પહેરે છે. આશરે 30-40 કિલોના કપડાં પહેરી ચાલુ વરસાદે તલવારબાજી કરવી, બચ્ચો કા ખેલ નહીં, અને એમાંય બચ્ચનની ઉંમરે આ શક્ય જ નથી, પણ આ બિગ બી છે! પહાડી અવાજમાં કેટલાક ડાયલોગ્સ દમદાર છે. આમીર અને અમિતાભનું દ્વંદ્વ પહેલા થોડું સારું લાગે છે, પણ ધારી અસર જન્માવી શકતું નથી. જોકે, આ ફિલ્મમાં અમિતાભ સિવાય આ રોલ કોઈ કરી શકે નહીં, એટલું તો ચોક્કસ છે.

ફિલ્મમાં પ્રોમીસિંગ કેરેક્ટરમાં ફાતિમા શના શેખનો રાજકુંવરી ઝફીરાનો રોલ સારો છે. દંગલ ગર્લ ફાતિમાએ સારો અભિનય કર્યો છે. દંગલ મૂવીમાં આમીરખાનની પુત્રીના રોલમાં રહેલી અભિનેત્રી અહીં તેની અપોઝિટ હિરોઇન તરીકે છે, (છે ને બૉલીવુડ!) ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કાબિલે-દાદ છે. સિનેમેટોગ્રાફી સરસ છે. VFXનો સારો ઉપયોગ કર્યો છે. કેટલાંક સીન્સમાં લોકેશન્સ અને ડ્રોનવ્યૂ પણ સારા છે.

- text

ફિલ્મને ખૂબ જ નેગેટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે, એવું શું છે, જે બે બે સુપરસ્ટાર હોવાં છતાં, લોકો આમ બોલી રહ્યા છે? એનું એક નહીં ઘણાં કારણ કહી શકાય. ફિલ્મનું ટ્રેલર જોઈને હોલીવુડ જેવી એક્શન સિક્વનસીઝની અપેક્ષાઓ હતી, જે એકાદ સીન સિવાય ક્યાંય નથી, કોઈ અદ્ભૂત સ્ટંટસ નથી, સ્ટોરી શરૂ શરૂમાં જામે છે, પણ પછી એ જ રિપીટીટીવ મોડમાં આવી જાય છે. કેરેક્ટર્સમાં ટ્વિસ્ટ છે, પણ પ્રેકડીટેબલ છે. સેકન્ડ હાફમાં તો તમે જે ધારો એ જ થાય એવું બને! બીજું મહત્વનું કારણ છે, ફિલ્મનું મ્યુઝિક સદંતર ફ્લોઓ…પ છે. ધકડ ફેઈમ અજય અતુલ ગાયબ છે. એક પણ ગીત અપીલિંગ નથી.

સ્ટોરીમાં ’70-’80ના દાયકાની ફિલ્મોમાં આવતા હતા, એવાં હીરો વિલનના સિચ્યુએશન્સ આવે છે. ડાયરેક્ટરે સ્ક્રિનપ્લે અને સ્ટોરી પર ઓછું કામ કર્યું છે. ફિલ્મમાં ઇલા અરુન અને શનિચરનું પાત્ર રીતસર વેડફાઈ ગયું છે. જૂની ફિલ્મોમાં આવતી હેલન જેવું પાત્ર કેટરીના કૈફનું છે. એક બે સોંગ્સ વિલનના અડ્ડા પર કરે છે અને બે ચાર ડાયલોગ્સ એકપ્રેશન્સ વગર બોલી નાખે છે. જોકે, સોંગ્સની કોરિયોગ્રાફીમાં કેટલાક સારા સ્ટેપ્સ છે. પણ કેટરીનાના કોસ્ચ્યુમસ 19મી સદીના કોઈ કાળે લાગતાં નથી!

ફિલ્મની શરૂઆતમાં એક ડિસ્કલેમર અંગ્રેજી અને હિન્દીમાં આવે છે, આ ફિલ્મ કાલ્પનિક છે. સારું થયું નહીંતર આવનારી પેઢી આને જ આપણો ઇતિહાસ માની બેસત. ફિલ્મમાં વહાણોનો ઉપયોગ જ શા માટે કર્યો ? એ ન હોત તોય ચાલત જ કે ? આ પ્રશ્ન અનુત્તર છે. ટાઇટલમાં જે શબ્દ છે, એ ઠગ કોણ હોય છે, કેવા હોય છે, એ સમજી શકાતું નથી. ભારતીયો માટે અંગ્રેજો ઠગ છે કે અંગ્રેજો માટે બાગી ભારતીયો? એના પર ફોક્સ જ નથી. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ એન્ગેજિંગ સિચ્યુએશનથી ભરપૂર છે, સેકન્ડ હાફ ચવાઇ ગયેલી ચ્યુંઇગમ જેવો છે. મોટી સ્ટારકાસ્ટથી જ માત્ર સફળતા નથી મળતી ફિલ્મ એનું ઉદાહરણ કહી શકાય.

જોવાઇ કે નહીં?
ટિકિટ હોવી જોઈએ તેના કરતાં ઘણી મોંઘી છે એટલે આ પ્રશ્ન થવો તો જોઇએ. દિવાળી સમયે ફિલ્મ આવી છે, તહેવાર અને રજાઓનો ભરપૂર લાભ મળી જ રહ્યો છે. ફિલ્મ જોવાનું એકમાત્ર કારણ મારા મતે તો બે સુપરસ્ટારને એકસાથે જોવા સિવાયનું બીજું કાંઈ જ નથી.

ગૂગલ મેપ્સમાં ફિરંગી કાર્ટૂન દ્વારા માર્કેટિંગ કરવાને બદલે સારા રાઇટર્સ રાખીને ફિલ્મ બનાવી હોત, તો ફિલ્મ ખૂબ ચાલત. જોકે, આ જ ફિલ્મનો પાર્ટ ટુ બનાવી, ફિરંગી ગોરાઓને ઠગતો હોય એ જોવાની આપણને ફિલ્મમાંથી નીકળતી વખતે ઈચ્છા થઇ ગયેલી!!

રેટિંગ :
ફર્સ્ટ હાફ : 4.5/5
સેકન્ડ હાફ : 2/5
ઓવરઓલ : 6.5/10

આલેખન : મનન બુધ્ધદેવ
FB : Master Manan
વ્હોટ્સએપ : 9879873873

- text