મોરબીમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે હરતી ફરતી શાળા

- text


ઓમશાન્તિ ગ્રુપ સામાજીક જવાબદારી ઉઠાવી ૧૫૦ બાળકોને નિયમીત શિક્ષણ આપે છે

મોરબી : મોરબીના ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકો શિક્ષણ વિના ખોટા માર્ગે ન વળી જાય અને શિક્ષણ થકી સમાજમાં માનભેર જીવી શકે તે માટે મોરબીની
શૈક્ષણિક સંસ્થાએ સામાજીક જવાબદારી ઉઠાવીને છેલ્લા એક વર્ષથી હરતી ફરતી શાળામાં ગરીબ બાળકોમાં શિક્ષણનું સિંચન કરી રહ્યા છે.અને હાલ ૧૫૦ જેટલા ગરીબ બાળકો નિયમીત શિક્ષણ મેળવી રહ્યા છે.

મોરબીની ઓમશાંતિ વિઘાલયના પ્રમુખ ટી.ડી. પટેલને ગત વર્ષે જન્મદિને ઝુપડપટ્ટીના ગરીબ બાળકોને અક્ષ૨દાન આપવા માટેનો શૈક્ષણીક પ્રોજેકટઅમલમાં મુક્યો હતો અને સ્કૂલે ન જતા હોય તેવા ઝૂંપડપટ્ટી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વે કરીને તેમને શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી.અને આ માટે બે સ્કૂલવાન શરૂ કરી હતી.

- text

ઓમશાન્તિ સ્કૂલની આ હરતી ફરતી શાળામાં શિક્ષક ભૂમિકાબેન દેત્રોજા અને દર્શનાબેન ભૂત મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને બાળકોને ભણાવવા માટે બ્લેક બોર્ડ, શિક્ષણ સાહિત્ય સહિતની સ્કૂલ વાન દરરોજ મોરબીના ધુનડા રોડ, કેનાલ રોડ, નવલખી રોડ સહિતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફરી અંદાજે ૧૫૦ જેટલા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતના તબક્કામાં બાળકો સ્કૂલવાનમાં શિક્ષણ લેવામાં ખચકાટ અનુભવતા હતા પરંતુ ઓમશાન્તિ ગ્રુપ દ્વારા નિરંતર પ્રયાસો જારી રખાતા આજે સુંદર પરિણામ આવ્યું છે, આજે આ બાળકો લખતા વાંચતા શીખી ગયા છે. ઓમશાન્તિ ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ નાની ઝુંબેશ આજે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે અને સમાજના છેવાડાના ઝૂંપડપટ્ટીના બાળકોને માત્ર શિક્ષણ જ નહીં સાથે સાથે પૌષ્ટિક આહાર અને કપડાં પણ ભેટ આપવામાં આવી રહ્યા છે.

- text