મોરબીના મોટા ભાગના ગામોમાં નવા વર્ષના આરંભે નાટકો ભજવવાની પ્રણાલી

ગૌસેવા સહિતના પરમાર્થ અને લોક સંસ્કૃતિના જતન માટે ૪૦ વર્ષથી યોજતા ઐતિહાસીક નાટકો

મોરબી : આજના ડીઝીટલ યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ નવરાત્રી દરમ્યાન નાટકો ભજવવાની પરંપરા અખંડ છે. ત્યારે મોરબીના મોટાભાગના ગામડામાં નવા વર્ષને આરંભના દિવસોમાં જ નાટકો ભજવાય છે. જેમાં સેવા સહિતના પરમાર્થે તથા લોકસંસ્કૃતિનું જતન કરવાનો આ ઐતિહાસીક નાટકો ભજવવાનો શુભ આશય છે.

મોરબી તાલૂકા તથા આસપાના ગામમાં નવરાત્રી દરમ્યાન ઐતિહાસીક નાટકો ભજવવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે, પરંતુ છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી મોટા ભાગના ગામોમાં વર્ષના આરંભે ઐતિહાસીક નાટકો ભજવવાની પ્રણાલી છે. જેમાં ઈશ્વરનગર, સજનપર, નસીતપર, બગથળા, મોડ૫૨,વાઘ૫ર, શિવનગર, બેલા, નારણકા ખાનપર, અણીયારી, અમરેલી. ચકમપર, સહિત અનેક ગામોમાં બેસતા વર્ષના દિવસે કે ભાઈ બીજ અને લાભ પાંચમના અવસરે ઐતિહાસીક નાટકો ભજવવાનું આયોજન થયુ છે.

નવરાત્રી દરમ્યાન તો ગામડામાં નાટકો યોજાઈ છે. પરંતુ નવા વર્ષે પણ નાના મોટા ગામોમાં એતિહાસીક નાટકના આયોજન પાછળ પરમાર્થ અને લોક સંસ્કૃતિ બચાવવાનો આશય છુપાયેલો છે. નાટકો યોજતા ગામોના લોકોએ જણાવ્યું હતું કે,આ નાટકો જોવા પાછળ કમાણીનો જરાય ઈરાદો નથી પરંતું ગૌ સેવા સહિતના સમજ સેવા અને પરમાર્થ માટે નાટક યોજાઈ છે. દિવાળીના મીની વેકેશન જેવા માહોલમાં ગામ લોકોને અનુકુળ સમય હોય છે, તેથી ફાળા માટે અને કોઈ સારો મેસેજ ગામ લોકો સમક્ષ મુકવા માટે નવા વર્ષના દિવસો અસરકારક સાબીત થતા હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ઐતિહાસિક નાટક ભજવી યુવાનોમાં કલાવારસો જાળવવાની સાથે – સાથે નાટક થકી ગૌસેવા માટે લાખો કરોડો રૂપિયાનું દાન એકત્રિત કરી અબોલ જીવની સેવા સુશ્રુષા કરવામાં આવી રહી છે.