વાંકાનેરમાં સૌરાષ્ટ્ર જનતા હડફેટે છ ગાયોના મોત

આઈટીઆઈ નજીક એક સાથે છ – છ ગાયોના મોતથી અરેરાટી

વાંકાનેર : વાંકાનેરમાં આજે સૌરાષ્ટ્ર જનતા ટ્રેન હડફેટે એક સાથે છ – છ ગાયોના મોત નિપજતા ચકચાર જાગી છે, મૃત્યુ પામનાર ગાયો રાજાવડલા ગામના માલધારીની હોવાની વિગતો બહાર આવી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગરથી બાંદ્રા તરફ જતી ૧૯૨૧૮ સૌરાષ્ટ્ર જનતા ધસમસતી જઇ રહી હતી ત્યારે અચાનક જ વાંકાનેર રાજકોટ હાઇવે પર આઈટીઆઈ નજીક રેલવે ટ્રેક નજીક ચરતી ગાયોનું ધણ હડફેટે ચડતા છ – છ ગાયોના મૃત્યુ નિપજ્યા હતા અને ગાયોના ભાંભરડાથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઉલ્લેખનીય છે કે રેલવે અકસ્માતમાં મોતને ભેટનાર ગાયો વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના માલધારીની હોવાનું બહાર આવ્યું છે, માઠા વરસમાં એક તરફ અબોલ પશુધનને નિભાવવા સામે સંકટ ઉભું થયું છે ત્યારે એક સાથે છ – છ ગાય મોતને ભેટતા માલધારી પરિવાર ઉપર આફત ઉતરી આવી હતી.