મોરબીના ટ્રાફિક વોર્ડનોના પગાર ન થતા દિવાળી બગડી

દિવસ રાત ટ્રાફિક ક્લિયર કરવવાની ભૂમિકા ભજવવાના ફળ રૂપે બોનસ તો ઠીક દિવાળી ઉપર પગાર ન મળતા મધ્યમવર્ગીય પરિવારોમાં કચવાટ

મોરબી : મોરબી શહેરમાં જટિલ ટ્રાફિક સમસ્યા નીવારવા પોતાના સ્વાસ્થ્યની પણ પરવા કર્યા વગર દિવસ-રાત દોડતા રહેતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને બોનસ આપવાનું તો દૂર રહ્યું પરંતુ દિવાળીના પરબ ટાઈમે પગાર પણ ન ચુકવવામાં આવતા ગરીબ અને મધ્યમ કુટુંબમાંથી આવતા ટ્રાફિક બ્રિગેડના ભાઈઓ – બહેનોના ઘરમાં પરબ ટાઈમે જ આર્થિક સંકડામણ સહન કરવાનો વારો આવ્યો છે.

મોરબીમાં જુદા-જુદા ચોક,બજાર અને હાઇવે ઉપર ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ તંત્ર દ્વારા 80થી 90 જેટલા ટ્રાફિક વોર્ડન રાખવામાં આવ્યા છે,મોટાભાગે મધ્યમ અને ગરીબ પરિવારમાંથી આવતા ટ્રાફિક જવાનો અને બહેનો સમયની પણ પરવા કર્યા વગર સતત ફરજ બજાવતા હોવા છતાં છેલ્લા ઘણા સમયથી તેઓના સમયસર પગાર થતા ન હોવાની ફરિયાદ ઉઠી છે જેમાં ચાલુ માસે દિવાળીનો તહેવાર આવતો હોવાથી ઉચ્ચકક્ષાએથી દિવાળી પૂર્વે જ તમામ જવાનોને પગાર કરી દેવામાં આવશે તેવી ખાતરી મળતા ટ્રાફિક વોર્ડનોમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા દિવાળી પૂર્વે ને બદલે આજે દિવાળીનો તહેવાર હોવા છતાં હજુ સુધી પગાર ન ચૂકવવામાં આવતા ટ્રાફિક વોર્ડનોમાં કચવાટ ફેલાયો છે અને દિવાળીનો તહેવાર કેમ ઉજવવો તેની ચિંતામાં ગરક થયા છે.

ઉલ્લેખનીય છે કે, પોતાના સ્વાસ્થ્યની ખેવના કર્યા વગર સતત પ્રદુષણમાં ફરજ બજાવતા ટ્રાફિક વોર્ડન જવાનોને માત્ર 300 રૂપિયા દૈનિક પગાર ચુકવવામાં આવે છે અને એ પણ ક્યારે ચૂકવાય તે નક્કી ન હોવાથી ગરીબ અને મધ્યમ પરિવારોમાં ચિંતા જાગે છે તે સ્વાભાવિક છે ત્યારે પગાર મામલે ઉપરી અધિકારીઓના ડરથી ટ્રાફિક જવાનો ક્યાંય રજુઆત પણ કરી શકતા ન હોવાનું જાણવા મળ્યું છે.