હું પોલીસ દાદા હો ! વઘાસીયા ટોલનાકે પોલીસ ગુંડાગીર્દીનો વિડીયો વાઇરલ : જુઓ વિડીયો

અગાઉ પોલીસના જોરે પ્રજા ઉપર જુલ્મ ગુજારનાર ટોલનાકાના કર્મચારીઓને પોલીસનો કડવો અનુભવ :ટોલ બેરીયર ખૂલવામાં વાર લાગતા વાંકાનેર સીટી પોલીસ કર્મચારીએ ટોલનાકાના કર્મચારીને ફડાકા ઝીક્યાં

મોરબી : મોરબી અને વાંકાનેરની પ્રજા ઉપર પોલીસના જોરે દાદાગીરી કરનાર વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓને હવે ભેંસના શીંગડા ભેંસને ભારે પડે તે ઉક્તિ મુજબ પોલીસનો પ્રેમ ભારે પડવો શરૂ થયો છે. તાજેતરમાં સીટી પીએસઆઇ દ્વારા ટોલનાકાના કર્મચારીને બેફામ માર મારવાની ઘટના બાદ પોલીસ દાદાની દાદાગીરીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં કોમ્પ્યુટરાઇઝડ ટોલ બેરીયર ખૂલવામાં વાર લગતા કોપાયમાન થયેલા પોલીસમેને કર્મચારીને ધડા-ધડ ફડાકા ઝીકી દેતા સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત પણ થઈ છે.

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકું હંમેશા વિવાદમાં રહે છે ત્યારે અગાઉ પોલીસના જોરે પ્રજા ઉપર સિતમ વરસાવનાર ટોલપ્લાઝામાં હવે ટોલ કોન્ટ્રાકટર અને ટોલ કર્મીઓને પોલીસ કર્મીઓની દાદાગીરી સહન કરવાનો વારો આવ્યો છે. વાંકાનેરના વઘાસિયા ટોલનાકે ઓટોમેટીક બેરીયર માથામાં લાગતાં સિટી પોલીસના પીએસઆઈની ગુંડાગર્દી નું વરવું રૂપ જોયા બાદ વઘાસીયા ટોલ કર્મીઓને શનિવારે વાંકાનેર સીટી પોલીસ કર્મચારીની દાદાગીરીનો નમૂનો જોવા મળ્યો હતો, વાંકાનેર સીટી પોલીસ મથકે ફરજ બજાવતાં અને મોરબીથી અપ-ડાઉન કરતાં પોલીસ કર્મચારીએ શનિવારે સવારે મોરબીથી વાંકાનેર આવતા હતા ત્યારે વઘાસિયા ટોલનાકે કર્મચારી દ્વારા બેરિયર ખોલવામાં વાર લાગતાં આ પોલીસ કર્મચારીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો અને પોતાની ગાડીમાંથી નીચે ઉતરી આ ટોલકર્મીને ગાળોનો વરસાદ વરસાવી ફડાકો ઝીકી દીધો હતો.

જો કે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થી ગયેલ છે અને બનાવનો વિડિયો વાયરલ થતા વાંકાનેર પંથકમાં ચર્ચાઓ ચાલી રહી છે અને હંમેશની જેમ ટોલકર્મીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું છે કારણ કે આ ટોલનાકુ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોય જો પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરે તો અહીં પોલીસ નો ત્રાસ વધી જાય તે સ્પષ્ટ છે, જો કે ટૂંકા સમયગાળામાં પોલીસની દાદાગીરી ની બીજી ઘટના બનતા આ મામલે ટોલ કોન્ટ્રાકટર ઉચ્ચકક્ષાએ લેખિત જાણ કરવામાં આવી છે
જો કે, કારણ ગમે તે હોય પરંતુ કાયદો કોઈને પણ હાથ ચાલાકીની છૂટ નથી આપતો ત્યારે વારંવાર બની રહેલી આવી ઘટનાઓમાં મોરબી જિલ્લા પોલીસવડાએ વાંકાનેર સીટી પોલીસને પ્રજા સાથે મિત્રતા કેળવવાના પાઠ ભણાવવ જરૂરી બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અન્યથા છે પોલીસ પ્રજાની મિત્ર છે એ ફ્ક્ત સ્લોગનમાં જ રહે તેમ હોવાનું આ ઘટનાઓ ઉપરથી સ્પષ્ટ બની રહ્યું છે.