ભારતીય સેનાના ઓપરેશન બ્લુ સ્ટારમાં મહત્વની ભૂમિકા ભજવનાર વાંકાનેરનાં લોકપ્રિય એએસઆઈ પી.પી. ઝાલાને વિદાયમાન અપાયું

- text


ભારતીય સેનામાં ફરજ બજાવ્યા બાદ પોલીસબેડામાં પણ કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે પ્રવિણસિંહ ઝાલા લોકપ્રિય બન્યા

વાંકાનેર : ભારતીય સેનામાં ફરજ બજાવી ઓપરેશન બ્લુ સ્ટારમાં કાબીલેદાદ કામગીરી કરનાર અને વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકપ્રિય એ.એસ.આઈ. પ્રવિણસિંહ પી.ઝાલા વાયમર્યાદાના કારણે નિવૃત થતા તેમને અદકેરા સન્માન સાથે વિદાયમાન આપવામાં આવ્યું હતું.

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં એએસઆઈ પ્રવિણસિંહ પી. ઝાલાએ પોતાના મિલનસાર સ્વભાવ અને કુનેહપૂર્વકની પોલીસ કામગીરીથી માત્ર પોલીસ પરિવારમાં જ નહીં પરંતુ વાંકાનેર શહેરની પ્રજામાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને જે તે સમયે વાંકાનેર શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને છેલ્લે એલઆઈબી વિભાગની પોલીસ કામગીરી કાબીલેદાદ રહી છે.

૨૦/૧૦/૧૯૬૦ નાં રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાં પાણશીણા ગામે જન્મેલા અને ધ્રાંગધ્રા તાલુકાનાં કોંઢ ગામના વતની એવા પ્રવિણસિંહ પી. ઝાલા વાંકાનેર પોલીસ પરિવાર અને વાંકાનેર શહેરમાં પી.પી. ઝાલાના ઉપનામથી વધુ ઓળખીતા છે. તેમણે વાંકાનેર સિવાય ધોરાજી, જસદણ, ઉપલેટા અને મોરબી જેવા શહેરોમાં પણ નિર્વિવાદ પોલીસ કામગીરી કરી ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

- text

પ્રવિણસિંહ પી. ઝાલા પોલીસ અધિકારી બન્યા તે પહેલા ૧૯૭૯ થી ૧૯૮૫ સુધી એટલે કે ૬ વર્ષ સુધી ભારતીય થલ સેનામાં પણ ફરજ બજાવી ચુક્યા છે. એટલું જ નહીં પરંતુ સેનાની સર્વિસ બુકમાં તેમને ” Example ” (અન્ય માટે અનુકરણીય અને દ્રષ્ટાંતરૂપ) નું બિરુદ પણ મળેલ.

ઉપરાંત સેનાનાં બહાદુર જવાન તરીકે એમને જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ જેવા ટફ વિસ્તારોમાં પોસ્ટિંગ મળેલ અને એમણે ત્યાં પણ સુપેરે ફરજ બજાવી. એ સિવાય ભારતીય સેનાનાં ઇતિહાસમાં સ્થાન પામેલ ઓપરેશન બ્લુસ્ટારમાં પણ પ્રવિણસિંહ ઝાલા ભારતીય સેનાનો ભાગ રહ્યા હતા જે વાંકાનેર માટે ગૌરવની વાત કહેવાય.

૧૯૮૬ થી ગુજરાત પોલીસમાં જોડાઈ ૨૦૧૮ સુધી ૩૨ વર્ષ પોલીસ અધિકારી તરીકે ધોરાજી – ઉપલેટા – જસદણ – વાંકાનેર – મોરબી – વાંકાનેર એમ સૌરાષ્ટ્રભરમાં ફરજ બજાવી ચૂકેલા પ્રવિણસિંહ ઝાલાની વાંકાનેર ખાતેની ટ્રાફિક કામગીરી આજે પણ શહેરનાં લોકો યાદ કરે છે.

ગઈકાલે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં આયોજિત તેમના નિવૃત્તિ વિદાય સમારોહમાં સીપીઆઈ બ્રહ્મભટ્ટ , શહેર પીઆઈ બી.ટી. વાઢીયા, શહેર પીએસઆઈ ધાંધલ, શહેર પીએસઆઈ આર.પી. જાડેજા, વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવી, વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.ડી. પરમાર સહિત સમગ્ર વાંકાનેર પોલીસ પરિવાર તથા શહેરનાં પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

- text