તળાવ કૌભાંડી ઈજનેર કાનાણી સહિત ચાર ની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ

મોરબી સેસન્સ કોર્ટ દ્વારા કરોડો કટકટાવી જનારા કૌભાંડિયાના જામીન ફગાવાયા બાદ હાઇકોર્ટમાં પણ લપડાક

મોરબી : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ કરોડો રૂપિયાના તળાવ કૌભાંડમાં હાલ જેલની હવા ખાઈ રહેલા નિવૃત ઈજનેર સહિતના ચાર આરોપીએ જામીન ઉપર છૂટવા મોરબી સેસન્સ કોર્ટમાં કરેલી અરજી ફગાવાયા બાદ આજે હાઇકોર્ટ દ્વારા પણ તળાવ કૌભાંડિયાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવામાં આવતા સરકારી નાણાં હજમ કરી જનારાઓનો જેલવાસ લંબાયો છે.

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ કરોડો રૂપિયાના કૌભાંડમાં પોલીસે મોરબી જીલ્લાના નિવૃત પૂર્વ કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, સસ્ટેનેબલ કંન્સટ્રકશન મેનેજમેન્ટ કનસ્લટન્શી રાજકોટના પ્રોપ્રાઇટર ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ સવજીભાઈ રાઠોડ ઉ.૩૩ અને ગણપતભાઈ ઉર્ફે ગણેશભાઇ મોહનભાઇ રાઠોડ, રે.હળવદની ધરપકડ કરી રિમાન્ડ મેળવી જેલ હવાલે કરતા ચારેય આરોપીઓએ સેસન્સ કોર્ટ દ્વારા જામીન ફગાવતા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

બીજી તરફ આજે હાઇકોર્ટમાં તળાવ કૌભાંડમાં સંડોવાયેલ ચારેય આરોપીઓની જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા સરકાર પક્ષે ધારદાર દલીલો કરી હજુ આ કૌભાંડમાં સંડોવાયેલ અનેક લોકોની ધરપકડ બાકી હોય જો મુખ્ય સૂત્રધારો જામીન ઉપર છૂટે તો તપાસને અસર પહોંચે તેમ હોવાની દલીલો કરતા નામદાર હાઇકોર્ટે ચારેય આરોપીઓના રેગ્યુલર જામીન ફગાવી દીધા હતા જેને પગલે તમામ આરોપીઓની દિવાળી જેલમાં જ જશે.