સુંદરતા નિખારવા મેકઅપ જરૂરી : સખી ક્લ્બ દ્વારા સેમિનાર યોજાયો

મોરબી સખી ક્લબ આયોજિત સેલ્ફ ગ્રૂમિંગ સેમિનારમાં મહત્વની ટિપ્સ અપાઈ

મોરબી : ખાસ કરીને યુવતીઓ, મહિલાઓમાં મેકઅપ એટલે બ્રાઇડલ લુકને મગજમાં રાખવામાં આવે છે પરંતુ અલગ-અલગ પ્રસંગ અને ઇવેન્ટને અનુરૂપ જો મેકઅપ કરવામાં આવે તો સુંદરતાને ચાર ચાંદ લાગી શકે છે, આજે મોરબીમાં સખી કલબ દ્વારા યુવતીઓ મહિલાઓને બ્યુટી પાર્લર જવાને બદલે સેલ્ફ ગ્રૂમિંગ એટલે કે જાતે મેકઅપ કેવી રીતે કરવો હેર કેર કેમ કરવી તે અંગેનો મહત્વપૂર્ણ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં લંડનમાં ટ્રેનિંગ મેળવનાર મૂળ રાજકોટના બ્યુટીશ્યન દ્વારા અમૂલ્ય ટિપ્સ આપવામાં આવી હતી.

મોરબીના રવાપર રોડ ખાતે આજે સુંદરતાનું ઘોડાપુર ઉમટ્યું હતું ! ચોંકવાની જરૂર નથી સખી ક્લબ મોરબી દ્વારા આજે મોરબીની માનુનીઓને મેકઅપ અને હેરકેર માટે બ્યુટી પાર્લર ન જવું પડે તે માટે રાજકોટના લંડન રિટર્ન બ્યુટિશિયન હીનાબેન કોરિયાના ખાસ સેલ્ફ ગ્રૂમિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હીનાબેન દ્વારા ઉપસ્થિત બહેનોને જણાવ્યું હતું કે મેએ ફક્ત લગ્ન પ્રસંગે જ નહિ નાની મોટી તમામ ઇવેન્ટ માટે જરૂરી છે,

ખાસ કરીને બ્યુટી ટ્રીટમેન્ટ માટે બહેનોને બ્યુટીપાર્લર સુધી જવાની જરુર નથી, જો સારા મટીરીયલ અને ઘરમાં ઉપલબ્ધ મટિરિયલનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિત્વ નિખરી ઉઠી છે, ઉપરાંત આજના સેમિનારમાં બદલતા રહેતા વાતાવરણ મુજબ યોગ્ય મેકઅપ કરવો, પ્રૉપર્લી મેકઅપ રીમુવ કરવો સહિતની અનેક બાબતો પણ યુવતીઓ અને મહિલાઓને શીખવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મોરબીની યુવતીઓ અને મહિલાઓને બ્યુટી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપનાર હીનાબેન કોરિયા લંડનમાં તાલીમ લઈ આઠ વર્ષ સુધી બ્યુટિશિયન તરીકે કામગીરી કરી છે જેમનું અમૂલ્ય જ્ઞાન આજે મોરબીની મહિલાઓ અને યુવતીઓને મળ્યું હોવાનું સખી ક્લબના નિધિબેન પટેલે જણાવ્યું હતું.