હળવદમાં લાયસન્સ વગર ફટાકડાના સ્ટોલ ઉભા થતા નોટિસો ફટકારવા તંત્રની તજવીજ

- text


ફાયર સુવિધા વગરના હળવદમાં ફટાકડાના સ્ટોલમાં કોઈ આગજનીનો બનાવ તો જવાબદારી કોની ?

હળવદ : હળવદ શહેરમાં મેઈન રસ્તા પર પ્રાંત અધિકારીની કે નગરપાલીકાની મંજુરી લીધા વિના ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલ ઉભા કરી દેવાતા પાલીકા તંત્ર દ્વારા સર્વે હાથ ધરી નોટિસ ફટકારવા તજવીજ હાથ ધરાઈ છે.

હળવદ શહેરમાં જાહેર રસ્તાઓ પર પરવાના વગરના ફટાકડાના સ્ટોલો ઉભા કરી દેવાયા છે જેમાં ગત વર્ષના કેટલાક પરવાનેદારોના આ વર્ષે લાયસન્સ રિન્યુ થયા નથી છતાંય પણ ખુલેઆમ ફટાકડાના સ્ટોલો ખડકી નાખ્યા છે. તેમજ ચાઈનીઝ ફટાકડા અને મોટી ધ્વની વાળા બોમ્બ પર પ્રતિબંધ હોવા છતાં ખુલેઆમ વેચાણ ચાલી રહ્યું છે. તો સાથો સાથ પ્રાંત અધિકારી પાસેથી લાયસન્સ કે ફટાકડાના સ્ટોલ માટે નગરપાલીકાની એનઓસી કે વીમા વગરના પણ મોટા ભાગના સ્ટોલ ખડકી દેવાતા શહેરમાં જાણે ફટાકડાના સ્ટોલનો રાફડો ફાટયો છે.

શહેરના ભરચક વિસ્તારમાં પણ પરવાના વગરના સ્ટોલ ઉભા કરી દેવાતા કોઈપણ સમયે દુર્ઘટના બને તો જવાબદારી કોની ? જાકે નિયમાનુસાર ભરચક વિસ્તારમાં ફટાકડાના સ્ટોલોને પરવાના આપવામાં આવતા નથી જયારે હળવદ શહેરમાં મેઈન રોડ પર છુટાછવાયા સ્ટોલ ઉભા કરાતા કોઈ આગજનીનો બનાવ બને તો દોડધામ થઈ પડે તેમ છે કારણ કે હળવદમાં ફાયરબ્રિગેડની સુવિધા નથી.

- text

આ અંગે નગરપાલીકાના ચીફ ઓફિસર સાગર રાડીયાને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, હળવદ શહેરમાં પરવાના વગરના ૧પથી વધુ ફટાકડાના સ્ટોલ ઉભા કરાયા હોવાનું સામે આવ્યું છે અને જુદાજુદા વિસ્તારમાં ફટાકડાના સ્ટોલોનો સર્વે કરી ગેરકાયદેસર ફટાડકાના સ્ટોલ ધારકોને આજે નોટીસ ફટકારવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text