હાલ એય, આઘોજા ખટારો તો રેલવેના પાટા પાહે જ ઉભો રાખું હો !

- text


પીધેલા ટ્રક ચાલકે ભારે કરી ! મોરબીના નજરબાગ સ્ટેશને રેલવેના પાટાની લગોલગ ટ્રક પાર્ક કરીને આરામથી નીંદર ખેંચી : રેલવે પોલીસે ગુન્હો નોંધ્યો

મોરબી : મોરબીમાં રોજે રોજ પીધેલાઓને મોટી સંખ્યામાં પકડવામાં આવે છે છતાં હેમ નહીં સુધરેંગેના ઘાટ વચ્ચે ગઈકાલે રાત્રે ડમ -ડમ ડિગાડીગા થી ગયેલા એક ટ્રક ચાલકે મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે ટ્રક ઘુસાડી દઈ પાટાની બાજુમાં જ ટ્રક પાર્ક કરી સવાર સુધી આરામની નીંદર ખેંચી હતી જો,કે વહેલી સવારે અહીંથી પસાર થયેલી માલગાડી સાથે ખટારાનું બારણું અથડાતા ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરની ફરિયાદ બાદ આરપીએફ દ્વારા ટ્રક ચાલકની શાન ઠેકાણે લાવવામાં આવી હતી.

- text

પ્રાપ્ત વીગતો મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર ગઈકાલે રાત્રીના દારૂના નશામાં ચકચૂર બનેલ ટ્રક ચાલક ભાન ભુલ્યો હતો અને નશાના મદમાં ટ્રકને નજરબાગ રેલવે સ્ટેશનની હદમાં ઘુસાડી દઈ બરાબર રેલવેના ટ્રેકની બાજુમાં જ વટથી ખટારો પાર્ક કરી નિરાંતની નીંદર ખેંચી હતી, બીજી તરફ ડમ ડમ હાલતમાં ટ્રકના બારણાં ખુલ્લા રાખી ટ્રક ચાલક સુઈ ગયો હોવાથી વહેલી સવારે અહીંથી પસાર થયેલી ગુડ્સ ટ્રેન સાથે ટ્રકનો દરવાજો ધડામ કરીને અથડાતા ગુડ્સ ડ્રાઇવર ચોકી ઉઠ્યો હતો અને મોરબી આરપીએફને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યું હતું.

દરમિયાન ઘટનાની જાણ થતા જ તુરત જ આરપીએફ સ્ટાફ નજરબાગ રેલવે સ્ટેશને પહોંચ્યો હતો, પરંતુ ભાન ભૂલેલા ટ્રક ડ્રાઇવર દ્વારા જાણે કશું જ બન્યું ન હોય તેમ વર્તન કરી બબડવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ આરપીએફ દ્વારા ગંભીર બાબત અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

આશ્ચર્યની અને ચોંકાવનારી બાબત તો એ છે કે આ ટ્રકના માલિક કોઈ પોલીસમેન હોવાનું અને નશામાં ધૂત ટ્રક ચાલકે આ પોલીસનો ખટારો છે મારુ કૈનો બગડેજેવો લવારો ચાલુ રાખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

- text