મોરબી પાલિકાના વોર્ડ નં.૨ની એક બેઠક માટે કાલે ચૂંટણી : ત્રિપાંખિયો જંગ

- text


૧૫ હજાર મતદારો કરશે મતદાન : ૧૯ મતદાન મથકોમાં ૨૦૦નો ચૂંટણી સ્ટાફ ગોઠવાયો

મોરબી : મોરબીના વોર્ડ નં. ૨ની એક બેઠકની આવતીકાલે રવિવારે પેટા ચૂંટણી છે. જેમાં ૧૫ હજાર મતદારો મતદાન કરીને ત્રણ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સ્ત્રી અનુસૂચિત અનામત વાળી આ સીટમાં ભાજપ, કોંગ્રેસ અને બસપાના મહિલા ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર થવાનું મનાઈ રહ્યું છે. હાલ ૧૯ મતદાન મથકોમાં ૨૦૦ ચૂંટણી સ્ટાફ ઇવીએમ મશીન સાથે ફરજ પર ગોઠવાઈ ગયો છે.

મોરબી પાલિકાની અગાઉ વોર્ડ નં. ૧, ૩ અને ૬ની પેટા ચૂંટણી વખતે વોર્ડ નં. ૨ની ચૂંટણી મતદાર યાદીના વાંકે મુલત્વી રાખવામાં આવી હતી. અમરેલી ગામની મતદાર યાદી વોર્ડ નં.૨માં જોઈન્ટ થતા હવે આવતીકાલે તા. ૨૮ના રોજ વોર્ડ નં. ૨ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણી માટે ૧૯ મતદાન મથકોમાં ૨૦૦ જેટલો ચૂંટણી સ્ટાફ આજ રાતથી જ ફરજ પર હાજર થઈ ગયો છે. આ મતદાન મથકો પર આવતીકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

- text

સ્ત્રી અનુસૂચિત અનામત વાળી આ સીટ પર ભાજપ તરફથી રાજુલબેન મહેશભાઈ પરમાર, કોંગ્રેસમાંથી દયાબેન રવજીભાઈ સોલંકી અને બસપામાંથી કંચનબેન પ્રવીણભાઈ ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીની મત ગણતરી આગામી તા. ૩૦ના રોજ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શાસક પક્ષ કોંગ્રેસ પાસે ૨૫ સીટ અને ભાજપ પાસે ૨૬ સીટ હોય, આ વોર્ડ નં. ૨ની એક બેઠકની ચૂંટણી પાલિકાના શાસનના સમીકરણો બદલાવી શકે તેમ હોવાથી આ ચૂંટણી મહત્વની બની રહેશે.

- text