આનંદો ! મોરબીના સિરામિક નિકાસકારોના અટવાયેલા રૂ. ૧૦૦ કરોડ છુટા થશે

સાંસદ મોહનભાઇ કુંડારીયા અને સિરામિક એસો. પ્રમુખ નિલેશ જેતપરિયાના પ્રયાસો ફળ્યા : એચએસ કોડ બદલાતા સર્જાયેલી મડાગાંઠને કારણે પેમેન્ટ અટક્યા હતા

મોરબી : ટાઇલ્સના એચએસ કોડ બદલવાના કારણે મોરબીના સિરામિક નિકાસકારોના છેલ્લા નવ માસથી અટવાયેલા રૂપિયા ૧૦૦ કરોડ જેટલા મરચન્ટ એક્સપોર્ટ ઈન્સેન્ટીવ સ્કીમના નાણાં દિવાળીના તહેવારો સમયે છૂટા થવાની શક્યતા છે, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને સિરામિક એસોશિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના સઘન પ્રયાસો કારણે કેન્દ્રની કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા આ મામલે ટુક સમયમાં જ નિર્ણય લેવાનાર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ૧ જાન્યુઆરી ૨૦૧૭ પછી ટાઇલ્સના એચએસ કોડ બદલવાના કારણે મોરબીના સીરામીક નિકાસકારોને બહુ મોટો ફટકો પડયો હતો અને તમને મળવાપત્ર MEIS એટલે કે મર્ચન્ટ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતું ન હતું ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા વિકાસને પ્રોત્સાહન મળે તે માટે મર્ચન્ટ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ
અમલમાં મુકવામાં આવી હતી જેમાં નિકાસકારોને કરેલ કુલ વિકાસના અમુક ટકા કેન્દ્ર સરકાર દ્વારા રીવોર્ડ તરીકે પરત આપવામાં આવતા હતા અને તેને કારણે નિકાસકારોમાં આ સ્કીમ અત્યંત લોકપ્રિય થઈ હતી પણ આ સ્કીમ HS કોડ પર આધારિત છે અને ૧-૧-૨૦૧૭ થી HS કોડ બદલાઈ જતા જે નિકાસકારોને કલેઈમ માટે ફાઈલ આપેલી તે રીજેકટ થવા લાગતા નિકાસકારોમાં દેકારો બોલી ગયો હતો અને બાદમાં કોડનો મામલો જાણમાં આવ્યો હતો કેમકે ડિજીએફટી ફાઈલ જનરેટ ન થવાને કારણે એમઈઆઈએસ રોકી દેવામાં આવ્યું હતું અને જાન્યુઆરી – ફેબ્રુઆરીથી રૂ.૧૦૦ કરોડ આસપાસનું એમઈઆઈએસ અટકી ગયેલ હતું.

જો કે આ મામલે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મોરબી સિરામિક એસો. પ્રમુખ નિલેશ જેતપરીયા અને રાજકોટ ડિજીએફટીના ડાયરેકટર સુવિધ શાહના અથાગ પ્રયત્નો બાદ અંતે મીનીસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા આ અટવાયેલ રૂ.૧૦૦ કરોડનું MEIS રીલીઝ કરવા સાનુકૂળ પ્રતિભાવ આપ્યો છે અને હવે સંભવતઃ દિવાળીના બોનસના રૂપે આ અટવાયેલ પેમેન્ટ રીલીઝ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે DGFT દ્વારા કરટમ્સ સાથે પણ ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી અને ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડને પણ અસરકારક રજુઆતો કરવામાં આવી હતી જેના ફળસ્વરૂપ નિકાસકારોની તરફેણમાં નિર્ણય ટુંકસમયમાં આવવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.