વાંકાનેરમાં પાલિકા કર્મચારી ઉપર હુમલો થતા વીજળીક હડતાલ : પાણી વિતરણ બંધ

- text


ગેરકાયદે પાણીનું કનેક્શન કટ્ટ કરતા માથાભારે શખ્સનો હુમલો : વોટર વર્કસના કર્મચારીને માર મારવામાં આવતા કર્મચારીઓએ તાત્કાલિક હડતાલ પાડી

વાંકાનેર : વાંકાનેર પોલીસની ઢીલી નીતિને પાપે માથાભારે તત્વો બેફામ બન્યા છે ત્યારે આજે વાંકાનેરમાં પુલ નજીક ગેરકાયદેસર નળ કનેક્શન મેળવનાર શખ્સનું કનેક્શન કાપવાની કાર્યવાહી દરમિયાન પાલિકા કર્મચારી ઉપર હુમલો થતા ફરજમાં રુકાવટને પગલે વીજળીક હડતાલ પાડી પાણી વિતરણ બંધ કરવા નિર્ણય કરતા ખળભળાટ મચી ગયો છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકાના વોટરવર્કસના સુપરવાઇઝર મહેન્દ્રસિંહ આણંદસિંહ ઝાલા પોતાની રૂટીન કામગીરી દરમિયાન નાગાબાવા મંદિર પાસે આવેલ પુલના છેડે ગેરકાયદેસર ખરાબાની જગ્યામાં બનાવેલ હોટલમાં નગરપાલિકાના પીવાના પાણીનું ગેરકાયદેસર કનેક્શન કાપવાની કાર્યવાહી કરતા હતા તે દરમિયાન હોટલ માલિક રમેશ લઘરા ભરવાડ ત્યાં આવી સુપરવાઇઝરને ધમકાવી અને માર મારી આ કનેક્શન કાપવાની કાર્યવાહીમાં ફરજ રૂકાવટ કરતા પાલિકા કર્મચારીઓને આ બાબતની જાણ થતા કર્મચારીઓએ તાત્કાલિક આ શખ્સ વિરુદ્ધ કાયદેસરના પગલાં ન લેવાય ત્યાં સુધી હડતાળ પાડવાનો નિર્ણય લઇ શહેરમાં પાણી વિતરણ બંધ કરવા નિર્ણય કર્યો છે.

- text

હાલ ઇજાગ્રસ્ત વોટરવર્ક્સ સુપરવાઈઝર મહેન્દ્રસિંહ ઝાલાને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેમની ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર હોટલના માલિક રમેશ ભરવાડ અગાઉ અપહરણના કેસમાં પણ ઝડપાઈ ચુક્યો છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text