હોય નહીં ! હળવદમાં છી જવું હોય તો બારણું અને પાણી સાથે લઈ જવું પડે !

- text


હોય નહીં ! હળવદમાં છી જવું હોય તો બારણું અને પાણી સાથે લઈ જવું પડે !

૧૪મા નાણાપંચ અંતર્ગત હળવદમાં શૌચાલય તો બન્યા પરંતુ બારણા વગરના !!

હળવદ : સરકારી યોજના એટલે ઘર અને પેટ ભરવાનું સાધન સમજતા કૌભાંડિયા કોન્ટ્રાક્ટરો દ્વારા હળવદ પંથકમાં જાહેર શૌચલયો નિર્માણ કરાયા બાદ આ શૌચાલયમાં બારણાં ફિટ કરવાનું મુનાસીબ સમજ્યું નથી ઉપરાંત પાણીની પણ કોઈ સુવિધા ન આપતા લોકોને જાજરૂ જવું હોય તો સાથે બારણું અને પાણી પણ લઈ જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

હળવદ તાલુકાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં ૧૪મા નાણાપંચની જાગવાઈ અનુસંધાને વર્ષ ર૦૧૬-૧૭માં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા પરંતુ શૌચાલયના કામમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે. મોટા ભાગના ગ્રામ્ય પંથકમાં બનેલ શૌચાલયમાં દરવાજા કે પાણીની કોઈ જ વ્યવસ્થા આજદીન સુધી કરવામાં આવી નથી અને ટોયલેટ બ્લોકમાં હલકા માટીરીયલનો ઉપયોગ કરી અહીં એક સરખી ટાઇલ્સ લગાવવાની બદલે થર્ડ કલાસ મિક્સડ ટાઇલ્સનો ઉપયોગ કરી સરકારી નાણાં હજમ કરવા ત્રાગડા રચાયા હોય યોગ્ય તપાસ થાય તેવી વિવિધ ગામના સરપંચો દ્વારા માંગ કરાઈ છે.

- text

સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકો ખુલ્લામાં શૌચિક્રયા નાબુદી માટે તાલુકાના જુદાજુદા ગ્રામ્ય પંથકમાં ૧૪મા નાણાપંચની જાગવાઈ અંતર્ગત વર્ષ ર૦૧૬/૧૭માં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા હતા પરંતુ હરામનું કોઠે પડી ગયું હોય તેમ અમુક કૌભાંડી કોન્ટ્રાકટરો દ્વારા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં બનેલ શૌચાલયના હજુ સુધી દરવાજા પણ ફીટ કરવામાં આવ્યા નથી એટલું જ નહીં પાણીની પણ કોઈ સુવિધા ઉપલ્બધ ન કરવામાં આવી નથી. વધુમાં દોઢ – બે વર્ષ પહેલા બનાવેલ તમામ શૌચાલયો ખંડેર હાલતમાં ભાસી રહ્યા છે.

સાથે જ શૌચાલયમાં કરેલા નબળા કામ પોપડા રૂપે ખરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર બનાવની યોગ્ય તપાસ કરવામાં આવે તો નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડ જેમ જ મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે, હાલમાં ગ્રામજનો દ્વારા શૌચાલયની મરમત કરી સમગ્ર કૌભાંડની તપાસ કરવા હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં માંગ ઉઠવા પામી છે.

- text