મોરબી નજીક મચ્છુ કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબી નજીક લખધીરપુર રોડ પાસેના મચ્છુ કેનાલમાં ન્હાવા પડેલો યુવક ગઈકાલે ડૂબી ગયો હતો. ત્યારે ફાયરબ્રિગેડે આ યુવકની શોધખોળ ચલાવ્યા બાદ આજે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક લખધીરપુર રોડ ઉપર આવેલ સિઝર સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાંજ કામ કરતા બીરેન્દ્ર વિઠ્ઠલભાઇ ખવાસ ઉ.વ. ૩૫ સોમવારે બપોરે લખધીરપુર રોડ નજીકથી નીકળતી મચ્છુ કેનાલમાં ન્હાવા પડયા હતા. ત્યારે આ યુવક ન્હાતી વેળાએ પાણીમાં ડૂબી ગયો હતો.

બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. બાદમાં યુવકની શોધખોળ ચલાવવામાં આવી હતી. પરંતુ ફાયર વિભાગની ટીમને સફળતા મળી ન હતી. બાદમાં આજે આ યુવકની લાશ મળી હોવાનું તાલુકા પોલીસમાંથી જાણવા મળ્યું છે.